1. Home
  2. ગુજરાતી
  3. વિકસિત ભારતની યાત્રામાં યુવાશક્તિ મહત્વનો હિસ્સો: નરેન્દ્ર મોદી
વિકસિત ભારતની યાત્રામાં યુવાશક્તિ મહત્વનો હિસ્સો: નરેન્દ્ર મોદી

વિકસિત ભારતની યાત્રામાં યુવાશક્તિ મહત્વનો હિસ્સો: નરેન્દ્ર મોદી

0
Social Share

નરેન્દ્ર મોદી, 23 મે 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 19મા રોજગાર મેળા અંતર્ગત દેશના જુદા-જુદા સરકારી વિભાગો અને સંગઠનોમાં પસંદગી પામેલા ૫૧ હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત’ તરફ આગળ વધી રહેલી દેશની વિકાસ યાત્રાને ગતિ આપવામાં ભારતના યુવાનો અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને તેઓને સશક્ત બનાવવા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નવનિયુક્ત યુવાનો સાથે સીધો સંવાદ સાધતા પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “આજની તારીખ દેશભરના હજારો યુવાનો માટે ખૂબ જ ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ દિવસ છે. આજે 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો મળ્યા છે, જે બદલ હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. આજથી તમે બધા દેશની વિકાસ યાત્રામાં એક જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. રેલવે, બેંકિંગ, ડિફેન્સ (સંરક્ષણ), હેલ્થ (આરોગ્ય), એજ્યુકેશન (શિક્ષણ) અને અન્ય અનેક ક્ષેત્રોમાં તમે નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આગામી વર્ષોમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં તમારી આ ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.”

પોતાના તાજેતરના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “હજુ બે દિવસ પહેલા જ હું પાંચ દેશોની મુલાકાત લઈને પરત ફર્યો છું. આ પ્રવાસ દરમિયાન મારી વિશ્વના ડઝનબંધ દેશોની મોટી-મોટી કંપનીઓના વૈશ્વિક લીડર્સ સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ તમામ બેઠકોમાં મેં એક વાત સમાન રૂપે અનુભવી છે કે, આજે આખી દુનિયા ભારતના યુવાનોના સામર્થ્ય અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિને લઈને અત્યંત ઉત્સાહિત છે. વૈશ્વિક સમુદાય આજે ભારતની આ વિકાસ યાત્રાનો હિસ્સો બનવા આતુર છે.” વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે ભારત આજે વિશ્વના વિવિધ દેશો સાથે જે ભાગીદારી કરી રહ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નવલોહિયા યુવાનોને રોજગારની શ્રેષ્ઠ તકો અને ગ્લોબલ એક્સપોઝર આપવાનો છે.

યુવાનો માટે રોજગારીની લાખો નવી તકોનું સર્જન

પીએમ મોદીએ ભવિષ્યના ઉભરતા ક્ષેત્રો અંગે વાત કરતા કહ્યું હતું કે, “આજે દેશમાં ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા), ક્રિટિકલ મિનરલ્સ, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ‘ગ્રીન ટ્રાન્ઝિશન એન્ડ સસ્ટેનેબલ ટેકનોલોજી’ ક્ષેત્રે ભારતનો સહયોગ સતત વધી રહ્યો છે, જે આગામી સમયમાં ભારતને ફ્યુચર ઇન્ડસ્ટ્રીનું મોટું હબ બનાવશે. આજે દરેક ભારતીય વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના અડગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકાર દરેક સેક્ટરમાં મોટું રોકાણ કરી રહી છે, જેનાથી દેશના યુવાનો માટે રોજગારીની લાખો નવી તકોનું સર્જન થઈ રહ્યું છે.”

આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીના નામે ટ્રેડમાર્ક મેળવવા હોડ, સુરેન્દ્રનગરના મુસ્લિમ યુવક સહિત અરજી દાખલ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code