બંગાળઃ TMCના નેતાના ખેતરમાંથી મળ્યો કુબેરનો ખજાનો, નોટોથી ભરેલી 4 બેગ અને એક કોથળો જપ્ત
કોલકાતા, 28 મે 2026: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના કૃષિ ફાર્મમાંથી કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ મળી આવતા રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બદુરિયા નગરપાલિકાના પ્રમુખ દીપાંકર ભટ્ટાચાર્યની ખેતીની જમીનમાં ખોદકામ દરમિયાન પોલીસને ચાર મોટી ટ્રોલી બેગ અને એક કોથળો (ગુણ) મળી આવ્યા હતા, જે તમામ રોકડા રૂપિયાથી ચિક્કાર ભરેલા હતા. પોલીસે ગુરુવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ ગત સોમવારે એક હોટેલમાંથી દીપાંકર ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી હતી. જમીનમાંથી મળી આવેલા બેગ અને બોરીઓમાં મુખ્યત્વે 500 રૂપિયાના દરની ચલણી નોટો હતી. આ નોટોની ચોક્કસ ગણતરી કરવા માટે બેંકના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને મશીનો દ્વારા ઘણી વખત ગણતરી કરવામાં આવી હતી. રાજ્ય પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ ખોદકામ દરમિયાન કુલ રૂ. 2.24 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
ગત સોમવારે જ્યારે બદુરિયાની એક સ્થાનિક હોટેલમાંથી ભટ્ટાચાર્યની અટકાયત કરવામાં આવી ત્યારે તેમની પાસેથી રૂ. 80 લાખની રોકડ મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે હોટેલમાંથી મળેલા 80 લાખ અને ખેતરમાંથી ખોદીને કાઢવામાં આવેલા 2.24 કરોડ મળીને અત્યાર સુધીમાં કુલ રૂ. 3.04 કરોડની રોકડ જપ્ત થઈ ચૂકી છે. ભટ્ટાચાર્યને મંગળવારે જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ પૂછપરછમાં ગુનો કબૂલ્યો
રાજ્ય પોલીસના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કસ્ટડી દરમિયાન આરોપી નેતાની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન જ દીપાંકર ભટ્ટાચાર્યએ કબૂલાત કરી હતી કે તેણે પોતાની ખેતીની જમીનમાં હજુ પણ મોટી માત્રામાં રોકડ છુપાવી રાખી છે. આ કબૂલાતના આધારે પોલીસની ટીમ ભટ્ટાચાર્યને સાથે રાખીને ખેતરે પહોંચી હતી, જ્યાં જેસીબી અને મજૂરો દ્વારા જમીન ખોદવામાં આવતા નોટોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, બદુરિયા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. આ પહેલા પોલીસે બદુરિયામાં તૃણમૂલ કોંગ્રેસની સ્થાનિક કચેરી અને ભટ્ટાચાર્યના માલિકીના એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને આશરે 4000 જેટલા સરકારી તાડપત્રીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે બદુરિયા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા ફરિયાદો નોંધાવવામાં આવી હતી – જેમાં એક ફરિયાદ સીપીઆઈ(એમ) તરફથી અને બીજી ભારતીય જનતા પાર્ટી તરફથી દાખલ થઈ હતી. આ ફરિયાદોના આધારે જ સોમવારે રાત્રે ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી હતી.
કમિશનખોરી અને ઉઘરાણીના આક્ષેપો
હવે સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં સવાલો ઉઠી રહ્યા છે કે એક નગરપાલિકા પ્રમુખ પાસે આટલી મોટી માત્રામાં રોકડ ક્યાંથી આવી? હાલમાં દીપાંકર ભટ્ટાચાર્ય સામે ભ્રષ્ટાચારના બે મુખ્ય આરોપો છે. પશ્ચિમ બંગાળ સરકારની પોતાની આવાસ યોજના ‘બાંગ્લાર બારી’ હેઠળ ગરીબોને ઘર ફાળવવાના બદલામાં મોટી કમિશનખોરી (લાંચ) કરવાનો આક્ષેપ છે. બદુરિયાના સ્થાનિક લોકો અને ખાસ કરીને નાના-મોટા વેપારીઓ પાસેથી ધાક-ધમકી આપીને જબરન વસૂલાત (તોડબાજી) કરવાનો આરોપ છે. પોલીસ હાલ આ નાણાકીય કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.


