કોકરોચ પાર્ટીને હાઈકોર્ટે “હિટ” મારી દીધું, X એકાઉન્ટ તત્કાળ પુનઃસ્થાપિત નહીં થાય
દિલ્હી હાઈકોર્ટ તરફથી ‘કોકરોચ જનતા પાર્ટી’ ને મોટો ઝટકો: ‘X’ એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર,
કોર્ટે કહ્યું- ‘આના દૂરગામી પરિણામો આવશે’
નવી દિલ્હી, 29 મે 2026: કોકરોચ પાર્ટીને હાઈકોર્ટે “હિટ” મારી દીધું છે. કોર્ટે કહ્યું કે, આ કથિત પાર્ટીનું X એકાઉન્ટ તત્કાળ પુનઃસ્થાપિત નહીં થાય. દિલ્હી હાઈકોર્ટે આજે શુક્રવારે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ને મોટો ઝટકો આપતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પરનું તેમનું એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત (બહાલ) કરવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટ CJP ના સ્થાપક અભિજીત દીપકેની અરજી પર સુનાવણી કરી રહી હતી અને આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ ‘X’ ને નોટિસ આપી છે.
‘બાર એન્ડ બેન્ચ’ ના અહેવાલ મુજબ, જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારનો પક્ષ સાંભળ્યા વિના એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવા જેવો કોઈ વચગાળાનો આદેશ આપી શકાય નહીં, કારણ કે આ બાબતના ‘દૂરગામી પરિણામો’ આવી શકે છે.
આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને ઑસ્ટ્રેલિયન સંસદમાં ભારતના ભારોભાર વખાણ કર્યાઃ જુઓ Video
કોર્ટે નોંધ્યું કે, “તમારી દલીલોમાં દમ હોઈ શકે છે પરંતુ તમામ પાસાઓ પર સમગ્રતયા વિચાર કરવાની જરૂર છે. સામા પક્ષને સાંભળ્યા વિના નિર્ણય ન લઈ શકાય. આના વ્યાપક પ્રભાવો છે.”
અદાલતે કેન્દ્ર સરકારને 4 સપ્તાહની અંદર આ અંગે વિગતવાર જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે અને આ મામલાની આગામી સુનાવણી 6 જુલાઈના રોજ નિયત કરવામાં આવી છે. આ સાથે જ હાઈકોર્ટે CJP ના ‘X’ એકાઉન્ટને બ્લોક કરવાના આદેશની સમીક્ષા (રિવ્યુ) કરવાનો પણ આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે નિયમો અનુસાર દર 2 મહિને રિવ્યુ કમિટીની બેઠક યોજાય છે અને તે બ્લોકિંગ ઓર્ડરના તમામ પાસાઓની તપાસ કરવા માટે સત્તાવાર રીતે અધિકૃત છે.


