1. Home
  2. ગુજરાતી
  3. 4 વર્ષનો કાર્યકાળ પૂરો થતાં જ વધુ અગ્નિવીરોને કાયમી રાખવા ત્રણેય સેનાઓની માંગ
4 વર્ષનો કાર્યકાળ પૂરો થતાં જ વધુ અગ્નિવીરોને કાયમી રાખવા ત્રણેય સેનાઓની માંગ

4 વર્ષનો કાર્યકાળ પૂરો થતાં જ વધુ અગ્નિવીરોને કાયમી રાખવા ત્રણેય સેનાઓની માંગ

0
Social Share

નવી દિલ્હી, 6 જુલાઈ 2026: ભારત સરકાર દ્વારા વર્ષ 2022 માં દેશની સેનાઓને વધુ યુવાન, હાઈટેક અને ભવિષ્યના યુદ્ધો માટે સજ્જ કરવાના આશય સાથે શરૂ કરવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’ માં એક મોટો વહીવટી ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેના, નૌસેના (નેવી) અને વાયુસેના (એરફોર્સ) પોતાના 4 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોના પ્રથમ બેચમાંથી અગાઉ નક્કી કરાયેલા ક્વોટા કરતાં વધુ જવાનોને કાયમી ધોરણે સેનામાં જ રાખવા માટે સંરક્ષણ મંત્રાલય સમક્ષ સત્તાવાર માંગ કરી રહી છે.

વર્તમાન નિયમો મુજબ, 4 વર્ષની સેવા બાદ મહત્તમ 25 ટકા અગ્નિવીરોને જ કાયમી સૈનિક તરીકે નિયુક્ત કરવાની જોગવાઈ છે, જ્યારે બાકીના 75 ટકા જવાનોને મુક્ત કરવામાં આવે છે. પરંતુ નવી દરખાસ્ત મુજબ, જટિલ તકનીકી પ્રણાલીઓ ધરાવતી ઇન્ડિયન નેવી સૌથી વધુ એટલે કે અંદાજે 75 ટકા અગ્નિવીરોને સેનામાં જાળવી રાખવા પક્ષમાં છે, જ્યારે આર્મી અને એરફોર્સ આ મર્યાદાને 25 ટકાથી વધારીને 50 ટકા કરવા માંગે છે.

સેનાના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે, આ જવાનોએ પોતાના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન અત્યંત કઠિન તાલીમ મેળવવાની સાથે સાથે અનેક મહત્વના સૈન્ય ઓપરેશનો અને યુદ્ધાભ્યાસોમાં સક્રિય ભાગ લીધો છે. આ સમયગાળામાં તેમણે ડ્રોન સિસ્ટમ, આધુનિક સર્વેલન્સ પ્રણાલી, ડિજિટલ વોરફેર અને અત્યાધુનિક હથિયારો ચલાવવાનો વ્યવહારિક અનુભવ હાસલ કર્યો છે. આવા સંપૂર્ણ પ્રશિક્ષિત અને ટેકનોલોજીના જાણકાર સૈનિકોને માત્ર 4 વર્ષમાં સેનામાંથી બહાર કરવા વ્યવહારિક નથી, કારણ કે તેમને કાયમી રાખવાથી નવા સૈનિકોની ભરતી અને તેમની લાંબી તાલીમ પાછળ ખર્ચાતો સમય તેમજ સરકારી સંસાધનો બંનેની મોટી બચત થશે અને દેશની સૈન્ય ક્ષમતા વધુ મજબૂત બનશે.

  • આ પ્રસ્તાવ અગાઉ સૈન્ય બાબતોના વિભાગને મોકલાયો હતો

જોકે આ પ્રસ્તાવ અગાઉ સૈન્ય બાબતોના વિભાગને મોકલાયો હતો પરંતુ પુનઃ સમીક્ષા માટે પરત આવ્યો હતો, અને હવે વર્ષ 2026 માં જ પ્રથમ બેચના 4 વર્ષ પુરા થઈ રહ્યા હોવાથી આ મુદ્દે સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં મોટો આખરી નિર્ણય લઈ શકે છે. અગ્નિપથ યોજનાના નિયમો અનુસાર, જે અગ્નિવીરો 4 વર્ષ બાદ કાયમી સેવામાં પસંદ નહીં થાય, તેમને સરકાર તરફથી અંદાજે 11.71 લાખ રૂપિયાનું સંપૂર્ણ આવકવેરા મુક્ત ‘સેવા નિધિ પેકેજ’ વ્યાજ સહિત આપવામાં આવશે. આ ઉપરાંત તેમને સશસ્ત્ર દળોનો અનુભવ પ્રમાણપત્ર અને કૌશલ્ય પ્રમાણપત્ર પણ મળશે જે ભવિષ્યની નોકરીઓમાં મદદરૂપ થશે.

કેન્દ્ર સરકારે અગાઉથી જ જાહેરાત કરેલી છે કે આવા પૂર્વ અગ્નિવીરોને સીએપીએફ અને આસામ રાઇફલ્સની ભરતીમાં 10 ટકા અનામત આપવામાં આવશે, તેમજ પ્રથમ બેચના ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની અને ત્યારપછીના બેચને 3 વર્ષની ખાસ છૂટછાટ મળશે. રેલવે સુરક્ષા દળ, સીએઆઈએસએફ અને વિવિધ રાજ્ય સરકારોની પોલીસ ભરતી તેમજ ખાનગી કોર્પોરેટ ક્ષેત્રમાં પણ આ જવાનોને પ્રાથમિકતા આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. સેના આગામી વર્ષે પોતાની ખાલી જગ્યાઓ ભરવા માટે અગ્નિવીરોની ભરતી સંખ્યા 70,000 થી વધારીને 90,000 કરવાની પણ યોજના ધરાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code