1. Home
  2. revoinews
  3. આતંકવાદ સામે આ બહુ જીત: ૩૮ આતંકીઓને ફાંસીના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રીનો પ્રતિભાવ
આતંકવાદ સામે આ બહુ જીત: ૩૮ આતંકીઓને ફાંસીના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રીનો પ્રતિભાવ

આતંકવાદ સામે આ બહુ જીત: ૩૮ આતંકીઓને ફાંસીના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રીનો પ્રતિભાવ

0
Social Share
  • મૃતકોના પરિવારને રૂ.૧૦ લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ.૫ લાખની આર્થિક સહાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર તાત્કાલિક ચૂકવશેઃ હર્ષભાઈ સંઘવી

ગાંધીનગર, 7 જુલાઈ, 2026 – આતંકવાદ સામે આ બહુ જીત છે તેમ ૩૮ આતંકીઓને ફાંસીની સજા યથાવત રાખવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અંગે પ્રતિભાવ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ‘વર્ષ-૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ’માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આવકાર્યો હતો. તેમણે આજના દિવસને દેશના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ચુકાદો માત્ર અમદાવાદ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના તમામ શાંતિપ્રિય દેશો માટે આતંકવાદ સામેની લડાઈમાં એક બહુ મોટો અને મજબૂત સંદેશ છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે તે તમામ નિર્દોષ આત્માઓને, તેમના પરિવારોને અને નાગરિકોને સાચો ન્યાય મળ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખીને ૩૮ આતંકવાદીઓને ફાંસીની સજા અને ૧૧ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે, જે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો છે.

ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી

શ્રી સંઘવીએ ગુજરાતના તમામ નાગરિકો વતી નામદાર હાઈકોર્ટ, નીચલી અદાલત અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ મજબૂત ન્યાય અપાવવા પાછળ તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ પ્રકારની કાયદાકીય ક્ષતિ કે બાંધછોડ વિના રાત-દિવસ એક કરીને જે પ્રશંસનીય કામગીરી કરી છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. આ ચુકાદો સ્પષ્ટપણે સાબિત કરે છે કે, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.

વળતર ચૂકવવામાં આવશે

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ચુકાદાના ભાગરૂપે આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દોષ મૃતકોના પરિવારોને રૂ.૧૦ લાખની સહાય અને જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને રૂ.૫ લાખની આર્થિક મદદ પહોંચાડવાનો જે હાઈકોર્ટ દ્વારા આદેશ થયો છે, તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા સંવેદનશીલતાપૂર્વક તાત્કાલિક અસરથી અમલમાં લાવીને ચૂકવવામાં આવશે. આ સરકાર પીડિત પરિવારોની સાથે સદાય પડખે ઊભી છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code