અલ નીનો સામે મોદી સરકાર એક્શન મોડમાં: ખેડૂતો માટે 1.75 લાખ ક્વિન્ટલ બિયારણ અનામત
નવી દિલ્હી, 08 જુલાઈ, 2026: અલ નીનોના સંભવિત જોખમ અને ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકાર સંપૂર્ણ સજ્જતા સાથે મેદાને આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિત માટે મજબૂત રણનીતિ સાથે કામ કરી રહી છે. કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તેઓ પોતે દર અઠવાડિયે આ અંગે ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી ચૌહાણે વિગતો આપતા જણાવ્યું કે, જૂન મહિનામાં દેશમાં 33 ટકા વરસાદની ખાધ નોંધાઈ હતી, પરંતુ જુલાઈની શરૂઆતમાં જ ચોમાસું પ્રબળ બનતા આ ખાધ ઘટીને 24 ટકા પર આવી ગઈ છે. દેશના અનેક હિસ્સાઓમાં સારો વરસાદ થવાને કારણે ઓછા વરસાદવાળા જિલ્લાઓની સંખ્યા 262થી નોંધપાત્ર રીતે ઘટીને 178 થઈ ગઈ છે, જે કૃષિ ક્ષેત્ર માટે રાહતના સમાચાર છે. સરકાર દ્વારા હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા મુખ્ય કૃષિ પ્રધાન રાજ્યો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. જુલાઈમાં વરસાદની ગતિ વધવાની સાથે જ ખરીફ પાકની વાવણીમાં તેજી આવવાની પૂરેપૂરી સંભાવના છે.
-
હાલમાં 350.85 લાખ હેક્ટરમાં વાવણી થઈ
મોડા ચોમાસાને કારણે ચાલુ વર્ષે સોયાબીન અને કપાસના વાવેતર પર થોડી અસર પડી છે. હાલમાં 350.85 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે, જે ગયા વર્ષ કરતાં આશરે 91.95 લાખ હેક્ટર ઓછી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ખેડૂતોને મકાઈ, બાજરી અને મગ જેવા ટૂંકા ગાળાના અને ઓછું પાણી માગતા પાકો તરફ વળવાની સલાહ આપી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં વાવણી પ્રભાવિત ન થાય તે માટે કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સાથે મળીને તમામ જિલ્લાઓ માટે આકસ્મિક આયોજન તૈયાર રાખવામાં આવ્યું છે. કટોકટી માટે 1.75 લાખ ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનો અનામત સ્ટોક રાખવામાં આવ્યો છે. જૂન મહિનામાં શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત 1.24 લાખથી વધુ કાર્યક્રમો યોજીને દેશના 80 લાખથી વધુ ખેડૂતો સુધી સીધો સંપર્ક કરવામાં આવ્યો છે.
-
કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક વીમાનું સુરક્ષા કવચ
સરકારે ખેડૂતોને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે બહુ-સ્તરીય યોજના અમલમાં મૂકી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ઝુંબેશ હેઠળ 30 જૂન સુધીમાં મળેલી 1.14 લાખ અરજીઓમાંથી 94 હજારથી વધુ અરજીઓને તાત્કાલિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વધુમાં વધુ ખેડૂતો જોડાય તે માટે પ્રયાસો તેજ કરાયા છે જેથી પાક નુકસાનીના કિસ્સામાં આર્થિક વળતર મળી રહે. અલ નીનોની અસરોને ડામવા માટે હાલમાં ‘અલ નીનો મોનિટરિંગ સેલ’, ‘ક્રોપ વેધર વોચ ગ્રુપ’ અને રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. સરકાર માત્ર પરિસ્થિતિની સમીક્ષા નથી કરી રહી, પરંતુ જમીની સ્તરે પૂરતા સંસાધનો અને મજબૂત રણનીતિ સાથે કોઈપણ પડકારને પહોંચી વળવા સજ્જ છે.


