1. Home
  2. ગુજરાતી
  3. અલ્ નીનોની સંભવિત અસરો પર PMOની હાઇ-લેવલ બેઠક યોજાઈ, 4 રાજ્યમાં ચોમાસુ મોડુ શરૂ થયું
અલ્ નીનોની સંભવિત અસરો પર PMOની હાઇ-લેવલ બેઠક યોજાઈ, 4 રાજ્યમાં ચોમાસુ મોડુ શરૂ થયું

અલ્ નીનોની સંભવિત અસરો પર PMOની હાઇ-લેવલ બેઠક યોજાઈ, 4 રાજ્યમાં ચોમાસુ મોડુ શરૂ થયું

0
Social Share

નવી દિલ્હી, 8 જુલાઈ 2026: દેશમાં ખરીફ પાકની સીઝન અને અલ્ નીનોની સંભવિત આસરોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કાર્યાલય એક્શન મોડમાં આવ્યું છે. વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ, ખેતી, વીજળી અને પાણીના પુરવઠા જેવા મહત્ત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ હાઇ-લેવલ બેઠકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં ખેતી, વીજળી, સ્વાસ્થ્ય, ગ્રામીણ વિકાસ અને હવામાન વિભાગ (IMD) સહિત 15થી વધુ વિવિધ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

  • IMDનો રિપોર્ટ: ગુજરાત સહિત 4 રાજ્યોમાં ચોમાસું મોડું

બેઠક દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાની પ્રગતિ અને અલ્ નીનો અંગે એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં અંદાજે 10 દિવસ મોડી થઈ છે. રાહતની વાત એ છે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં થયેલા સારા વરસાદને કારણે 7 જુલાઈ સુધીમાં દેશભરમાં વરસાદની અછત ઘટીને માઈનસ 12 ટકાએ પહોંચી ગઈ છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નબળાથી મધ્યમ અલ્ નીનોની સ્થિતિ રહેવાની સંભાવના છે, જેની પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

કૃષિ મંત્રાલયે બેઠકમાં માહિતી આપતાં જણાવ્યું કે, અલ્ નીનોના કારણે જે વિસ્તારોને અસર થઈ શકે છે તેવા 262 સંવેદનશીલ જિલ્લાઓ માટે ‘જિલ્લા કૃષિ આકસ્મિક યોજના’ અપડેટ કરી દેવામાં આવી છે. વૈજ્ઞાનિકો દ્વારા પણ ખેડૂતોને ઓછા પાણીએ વધુ પાક આપતી જાતો વાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

  • ખેડૂતો માટે વિશેષ ઝુંબેશ અને મુખ્ય સચિવની સૂચનાઓ

મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ વહીવટી તંત્રને નીચે મુજબના મહત્ત્વના આદેશો આપ્યા છે:

1. સંવેદનશીલ રાજ્યોમાં ખેડૂતોને સુરક્ષા આપવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) અને કિસાન ક્રેડિટ કાર્ડ નું કવરેજ વધારવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે.
2. કૃષિ, નાણાકીય સેવાઓ અને સહકારી વિભાગોને પરસ્પર સંકલન સાધી ખેડૂતોને સમયસર મહત્તમ લાભો સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
3. પ્રભાવિત થઈ શકે તેવા જિલ્લાઓમાં પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થાને ટોચની પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે.

બેઠકમાં એ વાત પણ સ્પષ્ટ કરવામાં આવી હતી કે, ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે અલ્ નીનો વર્ષ હોવા છતાં દેશમાં પાક ઉત્પાદન પર કોઈ મોટી નકારાત્મક અસર ન પડે તે માટે ભારત પાસે પૂરતી આધુનિક કૃષિ ટેકનોલોજી ઉપલબ્ધ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code