રાજકોટ 14 ઓગસ્ટ 2026: જસદણ પંથકના પ્રખ્યાત શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના આરંભ સાથે જ મહાપુજાને લઈને વિવાદ ઉભો થયો છે. મંદિર સંચાલકો દ્વારા મહાપુજા બંધ કરવામાં આવતા બ્રહ્મ સમાજ દ્વારા અનશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાઓ, બ્રાહ્મણ સમાજની સેવા-પૂજા, દાતાઓની રૂમની વ્યવસ્થા તેમજ મંદિરની પવિત્રતા જાળવી રાખવા અંગે ‘શ્રી ઘેલા સોમનાથ પંચ બ્રાહ્મણ સહાયક સમાજ ટ્રસ્ટ’ દ્વારા જસદણના ડેપ્યુટી કલેક્ટર અને શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મંદિરમાં શ્રાવણ માંસમાં પરંપરાગત રીતે મહાપુજા કરાવવામાં આવતી હતી. જો કે, સંચાલકો દ્વારા અચાનક મહાપુજા બંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓને શ્રાવણ માસ દરમિયાન સેવા-પુજા કરવા માટે રહેવાની સુવિધા આપવામાં આવતી હતી તે પણ પુરી પાડવામાં આવતી નથી. દરમિયાન આ અંગે જસદણના ડેપ્યુટી કલેક્ટર અને શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
જસદણના ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટના 5 બ્રાહ્મણોને શ્રાવણ માસ દરમિયાન ગર્ભગૃહમાં ઉપસ્થિત રહી મહાપૂજા, આરતી તેમજ બ્રહ્મશ્લોકોના પવિત્ર ઉચ્ચાર સાથે ભગવાન શ્રી ઘેલા સોમનાથ મહાદેવની આરતી કરવાની પરવાનગી આપવામાં આવે. મંદિરના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓને શ્રાવણ માસ દરમિયાન સેવા-પૂજા કરવા માટે રહેવાની સુવિધા આપવામાં આવતી હતી, જે પરંપરા પુનઃ શરૂ કરવામાં આવે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ વેજલ ભટ્ટ પરિવારને બપોરની મહાપૂજા તથા આરતી કરવાની સેવાની પરવાનગી પુનઃ પ્રદાન કરવામાં આવે. તેમજ મંદિરના જૂના વહીવટી રેકર્ડની ચકાસણી કરી, જો અગાઉ કોઈ મંદિર વિરોધી પ્રવૃત્તિ કે વાંધા નોંધાયેલા હોય તેવી વ્યક્તિઓ અંગે યોગ્ય તપાસ કરી મંદિરની સુરક્ષા અને શાંતિ જળવાય તેવા પગલાં લેવામાં આવે.
આ આવેદનપત્ર ‘શ્રી ઘેલા સોમનાથ પંચ બ્રાહ્મણ સહાયક સમાજ ટ્રસ્ટ’ ના પ્રમુખ વિનુભાઈ મહાદેવભાઈ ચાંવ અને ઉપપ્રમુખ પ્રહલાદભાઈ દુર્લભજીભાઈ જોશી દ્વારા સંયુક્ત રીતે પાઠવવામાં આવ્યું છે. તેમજ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી માંગણીઓ મામલે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મચોર્યાસીનું બ્રહ્મભોજન કરવામાં નહીં આવે.

