Homeગુજરાતીદેશ-વિદેશભારતની પરંપરા અને સંસદના અપમાન મામલે CM યોગીએ રાહુલ ગાંધી ઉપર કર્યાં...

ભારતની પરંપરા અને સંસદના અપમાન મામલે CM યોગીએ રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌ, 24 ઓગસ્ટ 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનનો જવાબ આપતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “તમે મનુ પર કે રામ પર ટિપ્પણી કરો છો. મનુને સમજવા હોય તો અથર્વવેદ વાંચો. જ્યારે તમે ભારતના સંસ્થાન અને વડાપ્રધાનનું અપમાન કરો છો, ત્યારે તમે વાસ્તવમાં ભારતની સંસ્થાઓનું જ અપમાન કરો છો.”

સીએમ યોગીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આખા દેશને લૂંટ્યો છે. તેમણે કહ્યું હતું કે, “તમે ભારત નથી બનાવ્યું, તમે ભારતનું વિભાજન કરાવ્યું છે. કોંગ્રેસે હંમેશાં ભારતના સ્વતંત્રતા સૈનિકોનું અપમાન કર્યું છે.” રાહુલ ગાંધીના નિવેદન પર સીએમ યોગીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “હું પણ તાજેતરમાં રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીનું એક નિવેદન વાંચી રહ્યો હતો. આ નિવેદન તેમણે મહારાષ્ટ્રમાં આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, મહિલાઓ મનુસ્મૃતિના બંધનને તોડીને બહાર આવી જાય. રાહુલ ગાંધીના રૂપમાં દેશ તમારી પાસેથી કોઈ મોટી અપેક્ષા રાખતો નથી.”

તેમણે ઉમેર્યું હતું કે, “ભારતીય સંસદની સર્વોચ્ચ પંચાયતમાં ‘નેતા પ્રતિપક્ષ’ તરીકેની તમારી ભૂમિકા દેશના લોકતંત્ર પ્રત્યે જવાબદારી નક્કી કરે છે. તમે ભારતના બંધારણના શપથ લીધા છે અને શપથ લઈને ભારતની પરંપરા તથા વિરાસતને કોસવી એ તમારો જન્મસિદ્ધ અધિકાર નથી.” સીએમ યોગીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું, “તમે ઉત્તર પ્રદેશની બહાર જાવ છો ત્યારે યુપીને લાંછિત અને અપમાનિત કરો છો. ભારતની બહાર જાવ છો ત્યારે ભારતનું અપમાન કરો છો. જ્યારે ભારતીય સેના સીમાઓ પર દુશ્મનો સામે લડે છે ત્યારે તમે સેનાના જવાનો પાસે સબૂત માંગો છો. આતંકવાદ સામેની લડાઈમાં દેશદ્રોહી તત્વોને તમે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રોત્સાહિત કરો છો. અયોધ્યામાં પ્રભુ શ્રી રામના અસ્તિત્વ પર તમારી પાર્ટી પ્રશ્ન ઉભા કરે છે અને લોકતંત્ર પ્રત્યે તમારી નિષ્ઠા શું છે? તે તો આ દેશે વર્ષ 1975ની કટોકટીમાં જોઈ લીધું છે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular