મોસ્કો, 26 ઓગસ્ટ 2026: રશિયાના સુદૂર પૂર્વીય અમુર ક્ષેત્રમાં આવેલા એક ગેસ-કેમિકલ સંકુલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં છ ચીની નાગરિકો સહિત સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય નવ લોકો ગુમ છે.
પ્લાન્ટે ટેલિગ્રામ પર જાહેરાત કરી હતી કે અમુર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી અને તેને ઓલવી નાખવામાં આવી હતી.
રશિયામાં ગેસ પ્લાન્ટમાં આગ લાગી
રોઇટર્સના અહેવાલ મુજબ, પ્લાન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુલ સાત લોકોનાં મૃત્યુ થયાં અને 152 લોકો ઘાયલ થયા; ઘાયલ થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. તેમાંથી 36 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
રશિયાની તપાસ સમિતિએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાને ઔદ્યોગિક સુરક્ષા નિયમોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહી છે. સમિતિ આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
આ રશિયન ગેસ પ્લાન્ટના નિર્માણમાં ઘણા ચીની નાગરિકો સહિત વિદેશી કામદારોને કામે લગાડવામાં આવ્યા હતા. મોટા ઔદ્યોગિક અને માળખાગત પ્રોજેક્ટ્સ માટે વિદેશી કામદારોને રોકવા એ રશિયામાં સામાન્ય પ્રથા છે.
રશિયા માટે ગેસ-કેમિકલ સંકુલ કેટલું મહત્વપૂર્ણ છે?
અમુર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સને પોલિઇથિલિન અને પોલિપ્રોપિલિનના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક માનવામાં આવે છે. આ પ્લાન્ટ વાર્ષિક આશરે 23 લાખ મેટ્રિક ટન પોલિઇથિલિન અને 4,00,000 ટન પોલિપ્રોપિલિનનું ઉત્પાદન કરે છે.
આ પ્રોજેક્ટ રશિયાના સુદૂર પૂર્વીય અમુર ક્ષેત્રમાં સિબુર (Sibur) અને સિનોપેક (Sinopec) ના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યો છે. ગેસ પ્લાન્ટમાં લાગેલી આગનું કારણ રશિયન તપાસ સમિતિના આગમન બાદ જ નક્કી કરવામાં આવશે.
વધુ વાંચો: કર્ણાટક: વિજયપુરામાં ભૂતનાલ તળાવમાંથી માતા અને તેના પાંચ નાના બાળકોના મૃતદેહ મળી આવ્યા


