ભોપાલ, 12 સપ્ટેમ્બર 2026: “કાનૂનના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ભલે ગમે તેટલો જૂનો હોય, એક ના એક દિવસે જેલના સળિયા પાછળ પહોંચી જ જાય છે” – આ કહેવત મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના મોઘટ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાચી સાબિત થઈ છે. અહીં પોતાની જુવાનીના દિવસોમાં યુવતીની છેડતી કરનાર એક આરોપી આશરે 40 વર્ષ બાદ પોલીસની ગિરફ્તમાં આવ્યો છે. ધરપકડ સમયે આરોપીની ઉંમર 64 વર્ષ થઈ ચૂકી છે. ચાર દાયકા સુધી પોલીસ અને અદાલતની આંખોમાં ધૂળ નાખનાર આ આરોપી આખરે હવે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે.
મોઘટ રોડ પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 1986માં સંજય નગરના રહેવાસી અશોક કુમાર સામે એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. તે સમયે અશોકની ઉંમર માત્ર 24 વર્ષ હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જામીન મળી ગયા હતા. પરંતુ જામીન મળ્યા બાદ અશોક અદાલતની કોઈ પણ મુદત પર હાજર થયો ન હતો અને સતત ફરાર રહ્યો હતો. આથી અદાલતે તેની સામે સ્થાયી વોરંટ જારી કર્યું હતું.
40 વર્ષના લાંબા ગાળામાં આરોપી અશોકનો ચહેરો અને શારીરિક હુલિયો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. પોલીસ જ્યારે તેના જૂના સરનામે પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું મળ્યું હતું. દરમિયાન, ટીઆઈ વિકાસ ખિંચી અને હેડ કોન્સ્ટેબલ રફીક ખાનને બાતમીદારથી સચોટ માહિતી મળી હતી કે 64 વર્ષીય અશોક બસ સ્ટેન્ડ નજીક ચાલતા શેરડીના ચીચોડાની દુકાનમાં રહી રહ્યો છે. માહિતી મળતાં જ પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો.
-
પૂછપરછમાં કહ્યું- “ભૂલવાની બીમારી છે, કંઈ યાદ નથી”
ધરપકડ બાદ પોલીસે જ્યારે 40 વર્ષ જૂના છેડતીના કેસ અંગે પૂછપરછ કરી, ત્યારે આરોપીએ અજ્ઞાનતા દર્શાવતા કહ્યું હતું કે તેને આટલો જૂનો કેસ યાદ જ નથી અને તેણે કઈ યુવતીની છેડતી કરી હતી તે પણ યાદ નથી. વધતી ઉંમરના કારણે તેને ભૂલવાની બીમારી પણ છે. હાલ પોલીસે કાનૂની કાર્યવાહી પૂરી કરી આરોપીને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.


