ઈમ્ફાલ, 16 સપ્ટેમ્બર 2026: મણિપુરમાં વંશીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યના તામેંગલોંગ જિલ્લામાં બનેલી તાજી ઘટનામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 2 કૂકી મહિલાઓની ગોળી મારીને નિર્મમ હત્યા કરી હતી. આ ઉપરાંત અસામાજિક તત્વોએ કેટલાક ફાર્મહાઉસને પણ આગને હવાલે કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તામેંગલોંગ અને નોની જિલ્લામાં 2 મહિલાઓ સહિત 4 લોકોની ગોળી મારીને કરાયેલી હત્યાના ગણતરીના દિવસોમાં જ આ બીજો બનાવ બન્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારધારી ઉગ્રવાદીઓએ તામેંગલોંગ જિલ્લાના એક ગામ બહાર કૂકી સમુદાયની 2 મહિલાઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મૃતકોની ઓળખ 60 વર્ષીય ચોંગા સિટલહૌ અને 30 વર્ષીય કિંબોઈ સિંગસન તરીકે થઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે બંને મહિલાઓ લેઈસંગફઈ ગામના અંદરના વિસ્તારમાં આવેલા એક નિર્જન ખેતરમાં લાકડા એકઠા કરવા ગઈ હતી. ઘટના બાદ ક્ષતિગ્રસ્ત મકાનો અને સળગી ગયેલા ફાર્મહાઉસના દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ ખેતરમાંથી બંને મહિલાઓના ગોળી વાગેલા શબ પુનઃપ્રાપ્ત કર્યા હતા. અહેવાલ મુજબ, સ્થાનિક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે હુમલા બાદ કેટલાક ગ્રામજનો હજુ પણ લાપતા છે, જેમના માટે શોધખોળ ચાલુ છે. સશસ્ત્ર હુમલાખોરોએ વિસ્તારમાં આવેલા કેટલાક કાચા ફાર્મહાઉસમાં પણ આગ ચાંપી દીધી હતી.
-
તાજેતરમાં જ બે મહિલા સહિત ચારની થઈ હતી હત્યા
આ પહેલા રવિવારે પણ તામેંગલોંગ અને નોની જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓના હુમલામાં 2 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હતા. રવિવારે સવારે આશરે 4 વાગ્યે તામેંગલોંગમાં થયેલા હુમલામાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેના 12 કલાક બાદ બનેલી બીજી ઘટનામાં પણ ૨ લોકોના મોત નીપજ્યા હતા. આ હિંસક ઘટનાઓ અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વાઈ. ખેમચંદ સિંહે જણાવ્યું હતું કે, નિર્દોષ નાગરિકો સામેની હિંસા એ કાયરતાપૂર્ણ કૃત્ય છે અને તેને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2023 થી મેઈતેઈ (ઘાટી વિસ્તાર) અને કૂકી (પહાડી વિસ્તાર) સમુદાયો વચ્ચે શરૂ થયેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં ઓછાંમાં ઓછાં 306 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. આ સિવાય 49 લોકો હજુ પણ લાપતા છે અને હજારો પરિવાર બેઘર બનીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે.


