નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવતા કોસ્મેટિક ઉત્પાદનો અંગે જાહેર આરોગ્ય ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતના ડ્રગ રેગ્યુલેટર દ્વારા જારી કરાયેલી સત્તાવાર નોટિસમાં ખાસ કરીને પાકિસ્તાનમાં નિર્માણ પામતી બે જાણીતી વ્હાઈટનિંગ ક્રીમ – ‘ચાંદની વ્હાઈટનિંગ ક્રીમ’ અને ‘ગોરી બ્યુટી ક્રીમ’ ને ફ્લેગ કરીને તેના ઉપયોગ અને વેચાણ પર તત્કાલ અસરથી રોક લગાવવામાં આવી છે.
લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ બંને પાકિસ્તાની બ્યુટી ક્રીમમાં નિર્ધારિત મર્યાદા કરતાં ખૂબ જ વધારે માત્રામાં હેવી મેટલ્સ (ભારે ધાતુઓ) અને ઝેરી રસાયણો મળી આવ્યા છે. CDSCO ના જણાવ્યા અનુસાર, આ પ્રોડક્ટ્સના સતત ઉપયોગથી ગંભીર ઝેરી અસરો થઈ શકે છે અને ત્વચા તેમજ સમગ્ર શારીરિક સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
સરકારી નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ દરેક કોસ્મેટિક પ્રોડક્ટ સુરક્ષિત હોવી અનિવાર્ય છે. ભારતમાં કોસ્મેટિક્સનું ઉત્પાદન અને આયાત ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940’ અને ‘કોસ્મેટિક્સ રૂલ્સ, 2020’ હેઠળ નિયંત્રિત થાય છે. આ પ્રોડક્ટ્સના ગુણવત્તાના ધોરણો ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ’ (BIS) દ્વારા નક્કી કરવામાં આવે છે. દેશમાં વેચાણ માટે સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી મંજૂરી લેવી પડે છે, જ્યારે બહારના દેશોમાંથી આયાત કરાતી પ્રોડક્ટ્સ માટે ‘સેન્ટ્રલ લાયસન્સિંગ ઓથોરિટી’ પાસે રજીસ્ટ્રેશન કરાવવું કાયદાકીય રીતે ફરજિયાત છે. પાકિસ્તાનની આ બંને ક્રીમ કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ભારતીય બજારમાં વેચાઈ રહી હતી.
CDSCO એ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ‘ગોરી બ્યુટી ક્રીમ’ અને ‘ચાંદની વ્હાઈટનિંગ ક્રીમ’ કે તેના જેવા જ સમાન નામો ધરાવતી કોઈપણ પ્રોડક્ટ ખરીદવાનું કે વાપરવાનું ટાળે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફક્ત એવી જ કોસ્મેટિક પ્રોડક્ટ્સ ખરીદે જેના પર મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર, ઉત્પાદકની વિગત, બેચ નંબર, ઉત્પાદન અને એક્સપાયરી તારીખ તેમજ આયાતી વસ્તુઓના કિસ્સામાં સત્તાવાર રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટપણે દર્શાવેલ હોય.


