Homeગુજરાતીખોરાકતહેવારોમાં બનાવો મોઢામાં ઓગળી જાય તેવી સ્વાદિષ્ટ આ બર્ફી: જાણો બનાવવાની સરળ...

તહેવારોમાં બનાવો મોઢામાં ઓગળી જાય તેવી સ્વાદિષ્ટ આ બર્ફી: જાણો બનાવવાની સરળ રીત

તહેવાર હોય, ઘરમાં કોઈ ખાસ પ્રસંગ હોય કે પછી અચાનક કંઈક ગળ્યું ખાવાનું મન થાય, બર્ફીનું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જાય છે. બજારમાં તો અનેક પ્રકારની મીઠાઈઓ મળે છે, પરંતુ ઘરે બનાવેલી મીઠાઈની વાત જ કંઈક અલગ હોય છે. જો તમે આ વખતે બેસન કે નાળિયેરની બર્ફીથી કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ, તો મગની દાળની બર્ફી એક ઉત્તમ વિકલ્પ છે. મગની દાળ, દૂધ, ખાંડ અને ઘીમાંથી બનતી આ મીઠાઈ સ્વાદમાં અત્યંત લાજવાબ હોય છે.

  • જરૂરી સામગ્રી

મોગર દાળ (મગની ફોતરા વગરની દાળ): 1 કપ
દેશી ઘીઃ 1/2 કપ
ખાંડ: 1/2 થી 3/4 કપ (સ્વાદ મુજબ)
દૂધ: 1/2 કપ
ઈલાયચી પાવડર: 1/2 ચમચી
મિલ્ક પાવડર: 2 મોટી ચમચી (ઈચ્છા મુજબ)
ડ્રાયફ્રૂટ્સ: 2 મોટી ચમચી (ઝીણા સમેારેલા બદામ-પિસ્તા)

  • બનાવવાની રીત

સૌપ્રથમ મગની દાળને બરાબર ધોઈને 3-4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. દાળ બરાબર પલળી જાય એટલે વધારાનું પાણી નિતારી લો. ત્યારબાદ તેને મિક્સરમાં કચરાશ પડતી (અધકચરી) પીસી લો. પેસ્ટ વધારે લીસી ન બનાવવી, થોડી કચરાશ રહેશે તો બર્ફીનું ટેક્સચર ખૂબ સરસ આવશે. એક ભારે તળિયાવાળા વાસણમાં (કઢાઈમાં) ઘી ગરમ કરો. તેમાં પીસેલી દાળ ઉમેરીને ધીમાથી મધ્યમ તાપે શેકવાનું શરૂ કરો. દાળને સતત હલાવતા રહેવું જેથી તે નીચે ચોંટે નહીં. ધીમે ધીમે દાળમાંથી ઘીની સરસ સુગંધ આવવા લાગશે અને તેનો રંગ હલકો સોનેરી થશે.

દાળ બરાબર શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરીને સતત હલાવતા રહો જેથી ગાંઠો ન પડે. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો. આ સમયે તમે ઈચ્છો તો મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. મિશ્રણ કઢાઈ છોડવા લાગે અને એકસરખું ભેગું થઈ જાય એટલે તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દો. એક પ્લેટ કે ટ્રેમાં થોડું ઘી ચોપડીને ગ્રીસ કરી લો. તૈયાર મિશ્રણને ટ્રેમાં રેડીને ચમચી કે સ્પેચુલા વડે એકસરખું પાથરી દો. ઉપરથી સમારેલા બદામ-પિસ્તા ભભરાવીને હળવા હાથે દબાવી દો. આ મિશ્રણને ફ્રિજમાં 1-2 કલાક માટે સેટ થવા મૂકી દો. બર્ફી બરાબર જામી જાય એટલે ચપ્પુ વડે મનપસંદ આકારના ટુકડા કાપી લો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular