નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર 2026: ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ને 490 દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં, પાકિસ્તાની સેના ભારત દ્વારા અપાયેલા આંચકામાંથી હજુ સુધી ઉગરી શકી નથી. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર કરાયેલા કડાકાભેર હુમલાના નિશાન આજે પણ ત્યાં જસના તસ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે પાકિસ્તાનના રણનીતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘સરગોધા એર ફોર્સ બેઝ’ પર ભારતની બ્રહ્મોસ મિસાઇલના હુમલા બાદ સર્જાયેલી તબાહીનું સમારકામ હજુ પણ ચાલી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવેલી ‘વેન્ટોર’ સેટેલાઇટ ઇમેજમાં સરગોધા એરબેઝ જંકશનની બરાબર ડાબી બાજુએ જમીન અને રસ્તાનો એક મોટો ઊંડો ભાગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તેની બનાવટ અને રંગ આસપાસના ડામરના રસ્તા કરતાં સાવ અલગ છે, જે તાજેતરમાં થયેલા ખોદકામ અને રનવે રિપેરિંગ તરફ ઈશારો કરે છે. સરગોધા એરબેઝ લાહોરથી આશરે 172 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ અને અમૃતસર નજીક ભારત-પાકિસ્તાન સરહદથી આશરે 200 કિલોમીટર દૂર આવેલું છે. સેટેલાઇટ તસવીરોમાં રનવેને પુનઃનિર્માણ કરવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે, જેમાં રનવેનો એક ભાગ કાળો અને લીસો દેખાય છે, જ્યારે બાકીનો અડધો ભાગ હજુ અપૂર્ણ સ્થિતિમાં છે.
અહેવાલ મુજબ સેટેલાઇટ તસવીરોના પૃથ્થકરણથી જાણવા મળ્યું છે કે રનવેના ઉત્તરીય ભાગમાં ફરીથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય મિસાઇલ હુમલાથી રનવે પર પડેલા વિશાળ ખાડાને અગાઉ તાત્કાલિક પેચવર્ક કરીને બુરી દેવાયો હતો, પરંતુ તે કામચલાઉ રિપેરિંગ સફળ ન રહેતાં હવે તેને સબ-ગ્રેડ લેવલ સુધી ફરીથી ખોદવામાં આવ્યો છે. આ બાબત દર્શાવે છે કે પ્રથમ તબક્કાના કચાસભર્યા કામ બાદ રનવેની સપાટી બેસી ગઈ હતી, જેના કારણે પાકિસ્તાને તેને પાયામાંથી ફરી બનાવવાની નોબત આવી છે.
-
ભારતનું ‘ઓપરેશન સિંદૂર’
ભારતે ગયા વર્ષે 7 મે થી 10 મે દરમિયાન પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ચોક્કસ ટાર્ગેટ પર એરસ્ટ્રાઇક કરી હતી. આ દરમિયાન પાકિસ્તાનના ૧૧ જેટલા મુખ્ય એરબેઝને નિશાન બનાવાયા હતા, જેમાં સરગોધા એરબેઝ મુખ્ય હતું. ઓપરેશન સિંદૂર વખતે ભારતીય વાયુસેનાના એર ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ રહી ચૂકેલા એર માર્શલ એ. કે. ભારતી (નિવૃત્ત) એ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાએ 300 કિલોમીટરથી પણ વધુ દૂરથી સરગોધા એરબેઝના રનવેની બિલકુલ સેન્ટરલાઇન પર બ્રહ્મોસ મિસાઇલથી સચોટ નિશાન સાધ્યું હતું, જે ભારતીય વાયુસેનાની તાકાત અને ચોક્કસાઈ સાબિત કરે છે.


