ગાંધીનગર, 17 સપ્ટેમ્બર, 2026 : Climate change action must be accepted as a ‘people’s movement પાટનગર ગાંધીનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ રાજ્યભરના કુલ 14 પર્યાવરણ પ્રેમી વિજેતાઓને વિવિધ 5 શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત કરી સન્માનિત કર્યા હતા. તેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, 75 હજાર અને 50 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે જ્યાં સુધી ક્લાઈમેટ ચેન્જ એક્શન એ આપણી ‘જીવનશૈલી’ -Way of life નહીં બને, ત્યાં સુધી તે માત્ર સરકારી ફાઈલો અને કાગળો સુધી જ સીમિત રહી જશે,તેને આપણે સાથે મળીને એક જનઆંદોલન બનાવવું પડશે.
તેમણે કહ્યું કે જે રીતે અત્યારે ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન જનઆંદોલન બની રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં તેનો સ્વીકાર થઈ રહ્યો છે, તે ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણે ગ્રીન કવર પર કામ નહીં કરીએ, ત્યાં સુધી પર્યાવરણનું સંતુલન જાળવવું મુશ્કેલ છે, કારણ કે કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ ઝડપથી વધી રહી છે. આપણી એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જો તેને બેલેન્સ નહીં કરીએ તો પ્રકૃતિ પોતાની મેળે ટકી શકશે નહીં.
તેમણે કહ્યું કે, આપણે તો પ્રકૃતિની પૂજા કરનારા લોકો છીએ. આદિવાસી સમાજ પણ પ્રકૃતિની જ પૂજા કરે છે.ડુંગર, નદી, પથ્થર, વૃક્ષો અને પ્રાણીઓની પૂજા કરે છે. આપણે પણ એ જ કરતા આવ્યા છીએ. પરંતુ આપણી ‘લાલચ’ આપણી ‘જરૂરિયાત’ કરતાં વધી ગઈ છે. તેથી સૌથી પાયાનું કામ એ કરવાનું છે કે આપણે આપણા બાળકોને આ અંગે શિક્ષિત કરીએ. IITની અંદર જે આપણું સેન્ટર ઓફ એક્સેલન્સ છે તે આ બાબતે કામ કરી રહ્યું છે, પરંતુ તે મર્યાદિત જગ્યાઓ કે થોડી શાળાઓ સુધી જ સીમિત છે. જેમ આપણે સરવાળા-બાદબાકી, કક્કો કે એબીસીડી શીખીએ છીએ અને વિષયો ભણીએ છીએ, તેટલું જ નવી પેઢી માટે ક્લાઈમેટ ચેન્જનું શિક્ષણ પણ જરૂરી છે. આ માટે આપણે આપણો અભિગમ બદલવો પડશે. ક્લાઈમેટ ચેન્જ વિભાગે પણ આ અંગે શિક્ષણ અને જાગૃતિ વધારવી પડશે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે સરકાર અને નિષ્ણાતોના પ્રયાસોની સાથે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે અને ક્લાઇમેટ એક્શનને માસ મૂવમેન્ટ એટલે કે જનઆંદોલનનું સ્વરૂપ આપવાની જરૂર છે.


