HomeDharma-ધર્મ જીવનઝરુખોઃ પૂર્વજોને સ્મરીશું પ્રેમે

 જીવનઝરુખોઃ પૂર્વજોને સ્મરીશું પ્રેમે

નીલમ દોશી
નીલમ દોશી

  “બુદ્ધિ, તું થોડી મોડી પડી, હમણાં જ શ્રદ્ધા આવીને કોલ લઇ ગઇ.”

ક્યાંક વાંચેલી પંક્તિ સ્મૃતિના દરવાજે ટકોરા મારી રહી છે. બુદ્ધિ અને શ્રદ્ધા વચ્ચે અવિરત દલીલો ચાલતી રહે છે. બુદ્ધિથી જેનો સ્વીકાર શક્ય નથી બનતો એ વાત શ્રદ્ધા સહજતાથી સ્વીકારે છે.

આપણી  ભારતીય સંસ્કૃતિ અનેક રીતે નોખી, અનોખી રહી છે. દરેક વાતને જોવાની એની પાસે એક આગવી દ્રષ્ટિ છે. કેટકેટલા તહેવારો, પરંપરાઓ, ઉત્સવો આપણે ઉજવતા આવ્યા છીએ. ધાર્મિક, સામાજિક કે રાજકીય દરેક તહેવારનું પોતીકું મહત્ત્વ છે. આપણે ત્યાં ભાગ્યે જ કોઇ મહિનો ઉત્સવ  વિનાનો સાવ કોરો જતો હશે.

આપણા વડવાઓએ કેવી સમજદારીપૂર્વક આ બધા તહેવારોનું આયોજન કર્યું છે એ વિચારીએ તો એમની દૂરંદેશી માટે આપણને માન થયા સિવાય રહેશે નહીં. આ ઉત્સવોથી ઘડિયાળના કાંટે દોડતા માનવીને થોડીવાર રૂક જાવનો સન્દેશ મળે છે. જીવન માણવાની તક મળે છે. પછી એ એક દિવસનો તહેવાર હોય, દિવાળી જેવો પાંચ દિવસનો તહેવાર કે નવરાત્રિ જેવો દસ દિવસનો તહેવાર હોય.. અરે, આપણે ગુજરાતીઓ તો દર ચાર વરસે આવતા વધારાના એક  મહિનાને પણ અધિક માસ કે પુરુષોત્તમ માસ તરીકે પવિત્ર ગણીને એની આરાધના કરીએ છીએ.

ગણેશજીની વિદાય પછી ભાદરવા મહિનાના પહેલા પંદર દિવસો એટલે શ્રાદ્ધપર્વ…

આજની નવી પેઢીને આ બધા રીતિરિવાજોમાં બહું રસ નથી પડતો. ધીમે ધીમે એ આ બધી પરંપરાથી વિમુખ થતી જાય છે. તર્કની કસોટી પર બધું એને અર્થહીન. સમય, પૈસાનો બગાડ અને અંધશ્રદ્ધા લાગે છે. જુદી જુદી અનેક રીતે એનો આક્રોશ વ્યક્ત થતો રહે છે. જોકે એમાં એમનો વાંક પણ નથી. જ્યારે રિવાજોમાં જડતા ઘૂસી જાય ત્યારે યુવા પેઢીને એ માટે અણગમો જન્મે એ સ્વાભાવિક છે. અને એવા સમયે ઘણીવાર ઘરમાં બે પેઢી વચ્ચે મતભેદ થતા રહે છે. ચર્ચા, દલીલો ચાલતી રહે છે. પરંતુ  જો દરેક ક્રિયા પાછળનું મહત્ત્વ સમજવાનો પ્રયાસ કરીએ તો કદાચ એ અણગમો ઓછો બની શકે.

ચાલો, આજે આપણે શ્રાદ્ધ પાછળની આપણા પૂર્વજોની ભાવનાને સમજવાનો પ્રયાસ કરીએ.

શ્રાદ્ધનો અર્થ સમજીએ તો “શ્રદ્ધયા યત્ ક્રિયતે તત્ “અર્થાત્ શ્રદ્ધાથી સ્મરણ કરીને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના દિવસો એટલે દિવંગત થયેલા પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો.

આપણું શરીર નાશવંત છે. જે જન્મ્યું તે જાય.. મરણ એ એક ટાળી ન શકાય એવું સત્ય છે. માનવમાત્રનું શરીર નાશવંત છે. શરીર નાશ પામ્યા પછી રહી જાય છે સ્મૃતિઓ..

 આપણી ઉપર આપણા પૂર્વજોના અનેક ઉપકાર છે એનો ઇન્કાર આપણે કરી શકીશું ખરા? આ પૂર્વજોનું ક્રુતજ્ઞ ભાવે પૂજન કરી, કોઇ તર્ક કર્યા સિવાય આપણે તેમને યાદ કરીએ તો એમાં કંઇ ખોટું કે ખરાબ કહી શકાય?

જેમણે આપણને જન્મ આપ્યો, મોટા કર્યા, આપણા ભલા માટે પોતાનો સ્વાર્થ જતો કર્યો..તેવા માતા-પિતાના ઋણનો અસ્વીકાર કોણ કરી શકે?

ભૂલો ભલે બીજું બધું મા-બાપ ને ભુલશો નહીં,

અગણિત છે ઉપકાર તેના એને વિસરશો નહીં
કે પછી

“અડસઠ તીરથ તેના ચરણમાં..”

આ બધી ઉક્તિઓથી આપણે વાકેફ છીએ જ. ભગવાન ગણેશજીએ એટલે જ તો માતા-પિતાની  પ્રદક્ષિણા કરીને ભાઇ કાર્તિકેય સાથે લગાવેલી શરત જીતી ગયા હતા. તો આવા માતા-પિતાનું ઋણ ઉતારવા, તેમને ક્રુતજ્ઞતાપૂર્વક યાદ કરવા, તેમનું સ્મરણ કરવું એ આપણા સૌનું કર્તવ્ય નથી?

જીવનમાં દરેક વાતને બુદ્ધિના ત્રાજવે તોળવી જરૂરી છે ખરી? એ શક્ય છે ખરું? ભગવાનને આપણે ક્યાં જોયા છે? છતાં ગમે તેવો મોટો વિજ્ઞાની પણ એના અસ્તિત્વનો ઇન્કાર કરી શકે છે ખરો? સાચા અર્થમાં કહીએ તો વિજ્ઞાન અને અધ્યાત્મ એકમેકના પૂરક છે, નહીં કે વિરોધી.

જરા યાદ કરીએ.  આપણાં માતા-પિતાના આપણી ઉપર કેટકેટલા ઉપકાર હોય છે.

આપણે આ ઉપકારમાંથી, ઋણમાંથી સાવ મુક્ત તો ન બની શકીએ પણ કયારેક એમને યાદ કરીને થોડે અંશે સંતોષ જરૂર મેળવી શકીએ. અને એ કોઇ કચવાટ વિના દિલની શ્રદ્ધાથી થાય તો જ એનું મહત્ત્વ.

 આજે  આપણે અનેક વાતમાંથી શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ..કેમ કે એમાં બીજાં દૂષણો પ્રવેશી ગયાં છે. એનો મૂળ ભાવ ખોવાઇ ગયો છે.

 અહીં ધરતી પર કાગડાને કે બ્રાહ્મણોને ખવડાવીએ એ કંઇ એમ પિતૃઓને થોડું પહોંચે? એવી દલીલો આપણે કરતા રહીએ છીએ. પરંતુ આપણે એક વાત ભૂલવી ન જોઇએ..

    “બુદ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જ્યાં અટકી ગયા,

      શ્રદ્ધા એ પછીના પ્રદેશને સંતો કહી ગયા.”

ભક્તિભાવથી, શુદ્ધ અંતઃકરણથી અને અનન્ય શ્રદ્ધાથી કરેલું તર્પણ મંત્રશક્તિના જોરે પિતૃઓને નહીં પહોંચતું હોય તેમ શા માટે માનવું? આ દલીલ કે ચર્ચાનો વિષય નથી જ.
અને એ પહોંચે કે ન પહોંચે પરંતુ એ બહાને..એ નિમિત્તે આપણે આપણા જન્મદાતાને યાદ કરીએ છીએ તે પણ શું ઓછું છે?

આમ શ્રાદ્ધ એ યથાશક્તિ પિતૃઓનું ઋણ ફેડવાનો અવસર છે. આપણને આપણી ક્રુતજ્ઞતા વ્યક્ત કરવાની વરસમાં એકવાર તક મળે છે. ત્યારે ફક્ત બુદ્ધિ નહીં શ્રદ્ધાની આંખે જોઇએ તો?

દોસ્તો, સંસ્કૃતિને દેશકાળની મર્યાદાઓ નડતી નથી. તાર્કિકતા કે અતાર્કિકતાના વાદ-વિવાદમાં પડવાને બદલે તેમાં રહેલી શ્રદ્ધાનો સ્વીકાર કરવો શું યોગ્ય નથી?

વાચકમિત્રો, આ જીવનઝરુખો કૉલમ સહિત રિવોઈ ન્યૂઝ પોર્ટલમાં પ્રકાશિત અન્ય વિવિધ લેખો અને સમાચારો વિશે આપના અભિપ્રાય અમને અવશ્ય જણાવો >>> [email protected]
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular