Homeગુજરાતીદેશ-વિદેશUPI પર MDR મુદ્દે કેન્દ્રની સ્થિતિ સાફ: આમાંથી મળતી રકમ સરકારના ખજાનામાં...

UPI પર MDR મુદ્દે કેન્દ્રની સ્થિતિ સાફ: આમાંથી મળતી રકમ સરકારના ખજાનામાં નહીં જાય

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામને યુપીઆઈ ચૂકવણી પર લાગતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ અંગે દેશ સમક્ષ સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ કોઈ ટેક્સ, સેસ કે સરચાર્જ નથી અને આનાથી મળતી રકમ ભારત સરકારના ખજાનામાં જતી નથી. કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું કે, સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઈ ચાર્જ કે ટેક્સ નથી. આ MDR ચાર્જ એનપીસીઆઈ, એગ્રીગેટર, સેવા પ્રદાતા, પોસ મશીન ઉપલબ્ધ કરાવનાર અને મર્ચન્ટ બેંક દ્વારા લેવામાં આવી રહ્યો છે.

નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે રૂ. 2,000 થી વધુના પેમેન્ટ પર ચાર્જની ચુકવણી માત્ર વેપારીએ (મર્ચન્ટ) કરવાની રહેશે. આ નાણાં સરકાર પાસે નથી જતા અને સરકાર તેને લાગુ પણ કરી રહી નથી. તેમણે ખાતરી આપી હતી કે આનો બોજ સામાન્ય ગ્રાહક પર નાખવામાં આવશે નહીં. ગ્રાહકોએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ ચાર્જ ગ્રાહકે ચૂકવવાનો નથી. કેટલાક લોકો આ સમગ્ર વ્યવસ્થાને યોગ્ય રીતે સમજી શક્યા નથી. તેમણે ઉમેર્યું કે વેપારીઓ પહેલેથી જ અન્ય કાર્ડ ટ્રાન્ઝેક્શન પર પણ આ પ્રકારના ચાર્જ ચૂકવે છે અને તે કિસ્સામાં પણ ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવાતો નથી. વેપારીઓ વિવિધ ઓફર કે અન્ય રીતે ગ્રાહકોને લાભ આપી શકે છે, પરંતુ આ ચાર્જ સિસ્ટમ અન્ય ઘણી કાર્ડ પેમેન્ટ પ્રણાલીઓમાં પણ પહેલેથી જ લાગુ છે.

  • વિપક્ષના આરોપો પર આકરા પ્રહારો

આ મુદ્દે રાજકારણ રમી રહેલા વિપક્ષ પર નિશાન સાધતા નિર્મળા સીતારામને કહ્યું કે, વિપક્ષ મુદ્દાઓ શોધી રહ્યો છે કારણ કે સરકાર પર હુમલો કરવા માટે તેની પાસે કોઈ નક્કર મુદ્દા નથી. આ NPCI, પેમેન્ટ બેંકો અને મર્ચન્ટ બેંકરો વચ્ચે લેવાયેલો સંપૂર્ણપણે વ્યાવસાયિક (પ્રોફેશનલ) નિર્ણય છે. વિપક્ષ એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે આ નિર્ણય સરકારે લીધો છે અને સરકાર કોઈના દબાણમાં આવીને કામ કરી રહી છે. તેમણે સખત શબ્દોમાં કહ્યું કે, જે સરકારે કોવિડ મહામારી અને યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓનો મજબૂતીથી સામનો કર્યો છે, ભારતની સાર્વભૌમત્વ માટે અડીખમ રહી છે અને ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની છે, તે સરકાર શું આવા મામલે કોઈના દબાણમાં આવી જશે? તેમણે વિપક્ષના આ વલણને ભ્રામક અને મુદ્દાઓથી ભટકાવનારું ગણાવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular