Homeગુજરાતીદેશ-વિદેશહૈદરાબાદમાં DRIની કાર્યવાહી: રૂ. 1.56 કરોડના ડોલર સાથે બે મુસાફરો ઝડપાયા

હૈદરાબાદમાં DRIની કાર્યવાહી: રૂ. 1.56 કરોડના ડોલર સાથે બે મુસાફરો ઝડપાયા

હૈદરાબાદ, 24 ઓક્ટોબર 2026: ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગેરકાયદેસર રીતે વિદેશી ચલણની દાણચોરી કરવાનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ડીઆરઆઈના અધિકારીઓએ એરપોર્ટ પરથી આશરે રૂ. 1.56 કરોડનું વિદેશી ચલણ જપ્ત કરી બે મુસાફરોની ધરપકડ કરી છે. શનિવારે બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ડીઆરઆઈની હૈદરાબાદ ઝોનલ યુનિટે ૨૨ ઓક્ટોબરના રોજ હૈદરાબાદથી કુઆલાલંપુર (મલેશિયા) જઈ રહેલા એક ભારતીય પુરુષ મુસાફરને અટકાવીને તપાસ હાથ ધરી હતી.

શંકાસ્પદ પુરુષ મુસાફરના કેબિન બેગેજની તલાશી લેતાં તેમાંથી યુએસ ડોલર અને મલેશિયન રિંગિટ સહિતનું વિદેશી ચલણ મળી આવ્યું હતું, જેની ભારતીય રૂપિયામાં કિંમત આશરે રૂ. 63.62 લાખ થાય છે. તપાસકર્તા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નાણાં કાળજીપૂર્વક પ્લાસ્ટિકના કાળા કવરમાં પેક કરીને ટ્રોલી બેગમાં કપડાંની વચ્ચે છુપાવવામાં આવ્યા હતા, જેથી સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચી શકાય.

પૂછપરછ દરમિયાન ઝડપાયેલા મુસાફર પાસેથી મહત્વની માહિતી મળી હતી કે તે જ ફ્લાઇટમાં અલગ PNR (પેસેન્જર નેમ રેકોર્ડ) ધરાવતી એક મહિલા પણ મુસાફરી કરી રહી છે. ડીઆરઆઈના અધિકારીઓએ તાત્કાલિક તે મહિલા મુસાફર પર નજર રાખીને તેને અટકાવી હતી. તેની ટ્રોલી બેગની તપાસ કરતા તેમાંથી 97,600 યુએસ ડોલર (આશરે રૂ. 91.94 લાખ) મળી આવ્યા હતા. આ રકમ પણ પુરુષ મુસાફરની જેમ જ કાળા પ્લાસ્ટિક કવરમાં કપડાં વચ્ચે છુપાવેલી હતી.

તપાસ દરમિયાન બંને મુસાફરો આટલી મોટી રકમનું વિદેશી ચલણ કાયદેસર રીતે મેળવ્યા હોવાના કે તેને વિદેશ લઈ જવા અંગેના કોઈ વૈધ દસ્તાવેજો કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પરિણામે, ડીઆરઆઈ દ્વારા કુલ રૂ. 1.56 કરોડની કિંમતનું વિદેશી ચલણ અને દાણચોરી માટે વપરાયેલી ટ્રોલી બેગ ‘કસ્ટમ્સ એક્ટ, 1962’ ના નીતિ-નિયમો અને જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે.

  • કાવતરાના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ

અધિકારીઓએ જણાવ્યુ હતું કે વિદેશી ચલણ જપ્ત કર્યા બાદ બંને આરોપી મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આટલી મોટી રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને મલેશિયામાં કોને પહોંચાડવાની હતી તે દિશામાં ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા હવાલા અને દાણચોરીના નેટવર્કને તોડી પાડવા માટે તપાસ એજન્સીઓ હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular