કોચી, 26 ઓક્ટોબર 2026: કેરળ હાઈકોર્ટે સોમવારે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ જારી કરીને પોલીસને એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સામે ગુનો નોંધવાની મંજૂરી આપી દીધી છે. જજના સગીર પુત્ર દ્વારા સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ચેરાનલ્લુર પાસે 54 વર્ષીય વિજયબાલકૃષ્ણન નામના વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા જજ સામે કાનૂની કાર્યવાહી કરવા મંજૂરી માંગવામાં આવ્યા બાદ હાઈકોર્ટે વહીવટી સ્તરે આ આદેશ આપ્યો હતો. ઘટના બાદ પીડિત પરિવારજનોએ ચેરાનલ્લુર પોલીસ સ્ટેશન બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના દબાણ હેઠળ જામીન પર મુક્ત થયેલા સગીર પુત્રની પોલીસે ફરીથી અટકાયત કરી છે.
પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, આ અકસ્માત રવિવારે વહેલી સવારે 2 થી 3 વાગ્યાના સુમારે બન્યો હતો. પીડિત વિજયબાલકૃષ્ણન પોતાનો ફૂડ સ્ટોલ બંધ કરીને દ્વિચક્રી વાહન પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજના નામે રજિસ્ટર્ડ અતિ ઝડપી મર્સિડીઝ-બેન્ઝ કાર હંકારી રહેલા સગીર પુત્રએ પાછળથી તેમના વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 55 વર્ષીય વિજયબાલકૃષ્ણનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
શરૂઆતમાં પોલીસે જજના સગીર પુત્ર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (લાપરવાઈથી મોત નીપજાવવું) હેઠળ ગુનો નોંધી જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ તેને જામીન આપી દીધા હતા. જોકે, વિરોધ બાદ પોલીસે હવે સગીર સામે BNS ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ / ગેર-ઈરાદાપૂર્વક હત્યા) હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કર્યો છે.
-
‘જજ હોય કે તેમનો પુત્ર, ન્યાય માટે લડત ચાલુ રહેશે’ – પીડિતની પુત્રી
આ ઘટના અંગે પીડિતની પુત્રીએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે પોતાના પિતાને ન્યાય અપાવવા માટે છેક સુધી લડત આપશે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે સગીર એક ન્યાયાધીશનો પુત્ર હોવાથી પોલીસે તેની સાથે શરૂઆતમાં અત્યંત નરમ વલણ અપનાવ્યું હતું. સગીરો દ્વારા થતા આવા ગંભીર ગુનાઓને સામાન્ય ગણવામાં આવી રહ્યા છે અને કાનૂની છટકબારીઓનો લાભ આપીને તેમને છોડી દેવામાં આવે છે, પરંતુ તે જજ કે તેમના પુત્રને જવાબદારીમાંથી છટકી જવા દેશે નહીં.


