Homeગુજરાતીદેશ-વિદેશજિલ્લા જજોની નિવૃત્તિવય વધી: 14 રાજ્યોમાં 60 થી વધીને થઈ 62 વર્ષ

જિલ્લા જજોની નિવૃત્તિવય વધી: 14 રાજ્યોમાં 60 થી વધીને થઈ 62 વર્ષ

નવી દિલ્હી, 26 ઓક્ટોબર 2026: દેશના જિલ્લા ન્યાયાલયોના ન્યાયાધીશોની નિવૃત્તિ વય મર્યાદાને લઈને સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. અત્યાર સુધીમાં 14 જેટલા રાજ્યો દ્વારા જિલ્લા જજોની સેવાનિવૃત્તિની વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાની વાત સ્વીકારી લેવામાં આવી છે. જોકે, હાલમાં જ નિવૃત્ત થયેલા કે થવાના આરે રહેલા જજો દ્વારા દાખલ કરવામાં આવેલી તાત્કાલિક સુનાવણીની અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો છે. સીજેઆઈ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની પીઠે સ્પષ્ટ કર્યું છે કે આ મામલો ન્યાયાલય અને રાજ્ય સરકારો વચ્ચેનો છે, જેથી વ્યક્તિગત અરજીઓ સ્વીકાર્ય નથી.

ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, 14 રાજ્યોએ નિવૃત્તિ વય 62 વર્ષ કરવા પર સૂર પુરાવ્યો છે અને અમને પૂરી આશા છે કે અન્ય રાજ્યો પણ જલ્દી જ આ પ્રક્રિયાનું અનુકરણ કરશે. કોર્ટે મુખ્ય અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી છે, પરંતુ ન્યાયિક અધિકારીઓની અરજીઓ પર અલગથી વિચાર કરવાની મનાઈ ફરમાવી છે. અગાઉ કોર્ટે છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં 31 માર્ચ કે ત્યારબાદ નિવૃત્ત થયેલા અધિકારીઓને યોગ્યતાના આધારે પુનઃ સેવા આપવાનો વિકલ્પ આપવા આદેશ કર્યો હતો.

રાજ્ય સરકારો દ્વારા અવારનવાર એવું વલણ દાખવવામાં આવે છે કે જજોની વયમર્યાદા વધારવાથી સરકારી ખજાના પર આર્થિક બોજ વધશે અને વધુ વેતન-ભથ્થાં ચૂકવવા પડશે. આ મુદ્દે આકરો ફટકો મારતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ન્યાય વ્યવસ્થાના મજબૂતીકરણ અને સુધારણા માટે આવું આર્થિક બહાનું બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો 65 વર્ષે અને હાઈકોર્ટના ન્યાયાધીશો 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે, ત્યારે જિલ્લા ન્યાયતંત્રના ન્યાયાધીશોની વયમર્યાદા પણ 62 વર્ષ કરવા માટે લાંબા સમયથી માંગણી ચાલી રહી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular