લખનૌ, 30 ઓક્ટોબર 2026: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતૃત્વએ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટીના મુખ્ય રણનીતિકાર ગણાતા અમિત શાહની દેખરેખ હેઠળ, ભાજપે પોતાના પ્રચાર અભિયાનને વધુ ધારદાર બનાવવા માટે સંગઠનાત્મક સ્તરે પ્રયાસો વેગવંતા બનાવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે લખનૌ પહોંચ્યા અને ઉત્તર પ્રદેશ ભાજપ કાર્યસમિતિની બેઠકનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી, પ્રદેશ મહામંત્રી (સંગઠન) ધરમપાલ સિંહ, પ્રદેશ પ્રભારી વિનોદ તાવડે તેમજ નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આગામી ૩૦ વર્ષ સુધી ભાજપ સત્તામાં રહેશે અને રાહુલ ગાંધી આગામી 30 વર્ષ સુધી કોઈ ચૂંટણી જીતી શકશે નહીં. ઉત્તર પ્રદેશથી શાહે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી ‘અંગદના પગ’ની જેમ અટલ છે, જેને કોઈ હલાવી શકતું નથી.
ઉત્તર પ્રદેશમાં ત્રીજી વખત સરકાર બનાવો, અને અમે યુસીસી (UCC) લાગુ કરીશું
પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશ ભાજપની ટીમમાં ઉત્સાહનો સંચાર કરતા જાહેર કર્યું કે, જો રાજ્યમાં પક્ષ સતત ત્રીજી વખત સત્તામાં આવશે, તો તે ‘સમાન નાગરિક સંહિતા’ (Uniform Civil Code – UCC) લાગુ કરશે. તેમણે ઉલ્લેખ કર્યો કે અન્ય ઘણા રાજ્યોમાં UCC પહેલેથી જ લાગુ કરવામાં આવી ચૂક્યું છે અને હવે ઉત્તર પ્રદેશનો વારો છે. તેમણે પક્ષના કાર્યકરોને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર રચાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો અને ખાતરી આપી કે ત્યાં UCC લાગુ કરવામાં આવશે.
રાહુલ અને અખિલેશને ખુલ્લો પડકાર
તેમણે મત ચોરીના આરોપો અંગે રાહુલ અને અખિલેશને ખુલ્લો પડકાર આપ્યો. અમિત શાહે કહ્યું, “હું રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને પડકાર આપું છું કે આવો, આપણે સંસદમાં મત ચોરીના મુદ્દે ચર્ચા કરીએ. ચાલો, એક વિશેષ સત્ર બોલાવીએ. અમે જવાબ આપવા માટે તૈયાર છીએ, પરંતુ આ લોકો સંસદમાં ચર્ચા કરવા તૈયાર નહીં થાય.”
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન
તેમણે કહ્યું, “હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન આપવા માંગુ છું; તેમના નેતૃત્વમાં સરકારે મજબૂત શાસન સ્થાપિત કર્યું છે અને ઉત્તર પ્રદેશને માફિયાઓથી મુક્ત કર્યું છે.” અમિત શાહે ટિપ્પણી કરી કે ઉત્તર પ્રદેશમાં ભાજપની હાજરી ‘અંગદના પગ’ની જેમ અટલ છે કોઈ તેને અહીંથી હટાવી શકતું નથી.
વધુ વાંચો: ઉત્તરાખંડમાં મોટી હવાઈ દુર્ઘટના! જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 6 લોકો સવાર


