1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ નજીક ગ્યાસપુરમાં 250 કરોડના ખર્ચે 500 એકરમાં જંગલ સફારી પાર્ક બનાવાશે
અમદાવાદ નજીક ગ્યાસપુરમાં 250 કરોડના ખર્ચે 500 એકરમાં જંગલ સફારી પાર્ક બનાવાશે

અમદાવાદ નજીક ગ્યાસપુરમાં 250 કરોડના ખર્ચે 500 એકરમાં જંગલ સફારી પાર્ક બનાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેર નજીક ગ્યાસપુરમાં રૂપિયા 250 કરોડના ખર્ચે 500 એકર જમીન પર જંગલ સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સફારી પાર્કમાં સિંહ, વાઘ, દીપડા, જીરાફ સહિતના વિવિધ પ્રાણીઓને લાવવામાં આવશે. એટલે હવે નજીકના ભવિષ્યમાં વનરાજોની ત્રાડ શહેરીજનોને સાંભળવા મળશે. ઉપરાંત શહેરીજનો માટે ફરવાનું ઉત્તર સ્થળ મળશે. શહેરીજનોને જંગલ સફારીની મજા માણવા ગીર કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવુ પડે.  શહેરના ઘરઆંગણે મોટા જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્કની મજા માણી શકશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ ગ્યાસપુર ગામ પાસે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એએમસી દ્વારા શહેરના ગ્યાસપુર ગામ નજીક 500 એકરની જગ્યા જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક માટે સૂચિત કરવામાં આવી છે. 500 એકર જમીન પર ગાઢ જંગલ ઊભું કરી ત્યાં સિંહ, વાઘ, દીપડા, જીરાફ સહિતના વિવિધ પ્રાણીઓને લાવવામાં આવશે. એએમસીએ  જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે RFD બહાર પાડ્યા છે. રૂપિયા 250 કરોડના ખર્ચે પાર્ક બનાવવા માટે ડિઝાઇન અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવશે.

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ અંગે જણાવ્યું હતું કે શહેરના ગ્યાસપુર ગામ પાસે સાબરમતી રિવરફ્રન્ટના સામેના છેડા પર એએમસીની માલિકીની 500 એકર જગ્યામાં જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર નજીક જંગલ સફારી બને તેવો પ્રયાસ એએમસી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી કમિશનરને સૂચના આપી છે. પીએમ નરેન્દ્ર મોદી, ગાંધીનગરના સાંસદ અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી તરફથી આ પ્રક્રિયા માટેની પરવાનગી મળતાની સાથે જ ડિઝાઈન આવ્યા બાદ ભૂમિપૂજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એએમસી દ્વારા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. કન્સલ્ટન્ટ દ્વારા સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક માટે માસ્ટર પ્લાન તૈયાર કરાશે અને તેની મંજૂરી મેળવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને મોકલી આપવામાં આવશે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવ્યા પછી 26 સપ્ટેમ્બર સુધીમાં સફારી પાર્ક પ્રોજેક્ટ અંગેની દરખાસ્ત પરત કરવાની રહેશે. જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. કન્સલ્ટન્ટ દ્વારા ગ્યાસપુર વિસ્તારમાં ટોપોગ્રાફી સરવે, ફલડ ઝોન, ડેવલપમેન્ટ ઝોન, કનેક્ટિવિટી સહિતનો માઈક્રો સરવે થશે. 500 એકરની જગ્યામાં જ્યાં આ પાર્ક બનાવવાનું છે તેની બાઉન્ડ્રી અને લીલાછમ વનસ્પતિ માટેની જમીન તેમજ આસપાસના વિસ્તારો વગેરેનો વિગતવાર સરવે કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર નજીક જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે ત્રણ તબક્કામાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવશે. ઇન્સ્પેક્શન રિપોર્ટ, ડ્રાફ્ટ રિપોર્ટ અન ત્યારબાદ ફાઈનલ DPR તૈયાર કરવામાં આવશે. આવા પ્રકારના ડેવલપમેન્ટ માટેના એક આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય લેવલના કેસ સ્ટડી પણ જોવાના રહેશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા બાદ જ ફાઈનલ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટમાં નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખી અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા બાદ જ તેને મંજૂરી આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code