Homerevoinews'પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ વિષયક દ્વિ-દિવસીય ક્ષેત્રીય અધ્યાપક કાર્યશાળા યોજાઈ

‘પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ વિષયક દ્વિ-દિવસીય ક્ષેત્રીય અધ્યાપક કાર્યશાળા યોજાઈ

સુરત, 26 ઓગસ્ટ, 2026 – વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંત તથા શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે ‘પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ વિષયક દ્વિ-દિવસીય ક્ષેત્રિય અધ્યાપક કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન અને સમાપન કરવામાં આવ્યું. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા અધ્યાપકો અને શિક્ષણવિદોએ કાર્યશાળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોમાં રાષ્ટ્રીય દૃષ્ટિકોણ વિકસાવવો તેમજ વર્તમાન શિક્ષણવ્યવસ્થાને ભારતીય જ્ઞાન પરંપરા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને આધુનિક શૈક્ષણિક અભિગમ સાથે જોડવાનો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિ

કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તથા કાર્યક્રમ અધ્યક્ષ ડૉ. કિશોરસિંહ ચાવડા, પી. પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ તથા મુખ્ય અતિથિ ડૉ. પરાગ સાંઘાણી, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો.ડૉ.કિરણ પંડ્યા તથા વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાનના સંગઠન મંત્રી શ્રી કે. એન. રઘુનંદનજી ઉપસ્થિત રહ્યા હતા.

A two-day regional faculty workshop on 'Inspired Teacher, Empowered Nation' was held
A two-day regional faculty workshop on ‘Inspired Teacher, Empowered Nation’ was held

સત્ર દરમિયાન વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડૉ. રાજેશ વ્યાસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનના માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષણને વધુ વ્યાપક અને અસરકારક રીતે આગળ વધારવાના હેતુથી VBUSSનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

VBUSSનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો છે. યુવાનોમાં સારા સંસ્કારો, ઉત્તમ ચારિત્ર્ય અને નૈતિક મૂલ્યોનું નિર્માણ થાય તથા તેઓ જવાબદાર, સંસ્કારી અને રાષ્ટ્રનિષ્ઠ નાગરિક બને તે માટે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. આ પહેલ દ્વારા શિક્ષણને માત્ર જ્ઞાનપ્રાપ્તિ પૂરતું મર્યાદિત ન રાખીને, યુવાનોના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર, ચારિત્ર્ય અને રાષ્ટ્રભાવનાના નિર્માણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.

શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુધાકરજી માસ્ટર દ્વારા શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું, જ્યારે શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ બી.ઍડ્. કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડૉ. જયશ્રીબેન કાનાણી દ્વારા અતિથિ પરિચય આપવામાં આવ્યો હતો.

ડૉ. પરાગ સંઘાણીજીએ જણાવ્યું કે, “શિક્ષણ માત્ર ધન ઉપાર્જનનું સાધન નથી; શિક્ષક બનવું એ ભગવાનનું વરદાન છે.” આપણા શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરણાદાયી અને સંસ્કારવાન શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે વિશ્વને સમજાવવું પડશે કે ઉપવાસ, એકાદશી, તિલક જેવા આપણા ભારતીય સંસ્કારો અને પરંપરાઓનું શું મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિના આ મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી શિક્ષકોની છે. ભારતને વિશ્વગુરુ બનાવવું એ આપણું ધ્યેય છે, અને આ મહાન ધ્યેયની સિદ્ધિ માટે દરેક શિક્ષકે પોતે પ્રેરિત થઈને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવી પડશે.

NEP-2020ના ઉદ્દેશો

ઉપરાંત, કાર્યક્રમ અધ્યક્ષ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પોતાના ઉદ્બોધનમાં આજના સમયમાં શિક્ષકની ભૂમિકા માત્ર જ્ઞાન આપનાર તરીકે સીમિત રહી નથી; શિક્ષક હવે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ, મૂલ્યઘડતર અને સમાજના પરિવર્તનનો મુખ્ય આધારસ્તંભ છે. NEP-2020ના ઉદ્દેશોને સાકાર કરવા માટે શિક્ષકનું સતત વ્યાવસાયિક વિકાસ, સંશોધનાત્મક અભિગમ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ડિજિટલ સાધનોનો યોગ્ય વિનિયોગ જરૂરી છે.

એક પ્રેરિત, સંવેદનશીલ, સંશોધનશીલ અને ટેક્નોલોજી-સક્ષમ શિક્ષક જ વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સર્જનાત્મકતા, કૌશલ્ય, મૂલ્યો અને સામાજિક જવાબદારી વિકસાવી શકે છે. તેથી શિક્ષક પોતે સતત શીખતો રહે, નવીનતા અપનાવે અને પોતાના જ્ઞાનને સમાજના હિતમાં ઉપયોગી બનાવે—આજની શિક્ષણવ્યવસ્થાની સૌથી મોટી જરૂરિયાત છે.

કાર્યક્રમના અંતે ડૉ. ભાવેશભાઈ રાવલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યશાળાની સફળતા માટે યોગદાન આપનાર તમામ મહાનુભાવો, આયોજકો, નિષ્ણાત વક્તાઓ તથા ઉપસ્થિત અધ્યાપકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઉદ્ઘાટન સત્રમાં ‘પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ને કેન્દ્રમાં રાખીને શિક્ષણના સમકાલીન પડકારો, અધ્યાપકની બદલાતી ભૂમિકા, નવીન શૈક્ષણિક અભિગમો તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે ગુણવત્તાસભર શિક્ષણ અંગે જ્ઞાનસભર સંવાદ અને વિચારવિમર્શ થયો હતો. પ્રતિષ્ઠિત શિક્ષણવિદોની ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી કાર્યશાળાનું ઉદ્ઘાટન સત્ર પ્રેરણાદાયી તથા શૈક્ષણિક ચિંતન માટે વિશિષ્ટ બન્યું હતું.

વિવિધ વિષયો પર માર્ગદર્શન અને પ્રેરણાદાયી વિચારો રજૂ થયા

દ્વિ-દિવસીય ક્ષેત્રીય અધ્યાપક કાર્યશાળા દરમિયાન વિવિધ વિષયો પર માર્ગદર્શન અને પ્રેરણાદાયી વિચારો રજૂ કરવા માટે અનેક પ્રતિષ્ઠિત વક્તાઓની ઉપસ્થિતિ રહી હતી. જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ટી. એસ. જોષી, શ્રી કે. એન. રઘુનંદનજી, શ્રી રમેશભાઈ ગઢવી, ડૉ. રાજેશ વ્યાસ, ડૉ. જિગ્નેશ પટેલ, ડૉ. ભાવેશભાઈ રાવલ, ડૉ. દેવાંગભાઈ મહેતા અને ડૉ. સંજય શર્મા સહિતના તજજ્ઞ વક્તાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રના વર્તમાન પ્રવાહો, પડકારો અને વિવિધ આયામો અંગે જ્ઞાનસભર તથા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દ્વિ-દિવસીય કાર્યશાળામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦, મહાવિદ્યાલય સંચાલન અને સંસ્થાગત વિકાસ યોજના, કૃત્રિમ બુદ્ધિમત્તાના માધ્યમથી સંશોધનમાં પરિવર્તન, બાળસાહિત્યનો શિક્ષણમાં અસરકારક ઉપયોગ, પર્યાવરણીય જ્ઞાન તથા સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા જેવા વિવિધ વિષયો પર નિષ્ણાત વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડૉ. રાજેશ વ્યાસ, મંત્રી ડૉ. ભાવેશ રાવલ, શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરતના પ્રમુખ શ્રી સુધાકરજી માસ્ટર તથા મંત્રી શ્રી નીરજ પટેલ દ્વારા દ્વિ-દિવસીય ક્ષેત્રિય અધ્યાપક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાના સંયોજક તરીકે વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ ડૉ. રિદ્ધિ દેસાઈ દ્વારા સમગ્ર આયોજનનું સુચારુ સંકલન કરવામાં આવ્યું હતું.

જ્ઞાનસભર માર્ગદર્શન, સંવાદ અને અનુભવોનું આદાન-પ્રદાન

‘પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ની ભાવનાને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ દ્વિ-દિવસીય કાર્યશાળા દ્વારા અધ્યાપકોને શિક્ષણક્ષેત્રના બદલાતા પરિપ્રેક્ષ્યને સમજવા, નવીન શૈક્ષણિક પદ્ધતિઓને આત્મસાત કરવા તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે શિક્ષણની ગુણવત્તા વધુ સુદૃઢ બનાવવા માટે નવી દિશા અને નવી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. તજજ્ઞોના જ્ઞાનસભર માર્ગદર્શન, સંવાદ અને અનુભવોના આદાન-પ્રદાનથી કાર્યશાળામાં ઉપસ્થિત અધ્યાપકોમાં નવીન વિચારશક્તિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થયો હતો. આ કાર્યશાળા શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા, નવીનતા અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ સાબિત થઈ હતી. કાર્યશાળાના સફળ સમાપન સાથે અધ્યાપકોએ મેળવેલા જ્ઞાન અને અનુભવોને પોતાના શૈક્ષણિક કાર્યમાં અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular