HomeAgency Newsનકલી દસ્તાવેજોને આધારે રૂ. 2,395 કરોડ વિદેશ ટ્રાન્સફર કરાવવા માટે જવાબદાર CA...

નકલી દસ્તાવેજોને આધારે રૂ. 2,395 કરોડ વિદેશ ટ્રાન્સફર કરાવવા માટે જવાબદાર CA ઝડપાયો

જયપુર, 26 ઓગસ્ટ, 2026 – રાજસ્થાનના જયપુરમાં એક સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પર નકલી દસ્તાવેજોને આધારે અબજો રૂપિયા વિદેશ મોકલવામાં નિમિત્ત બનાવાનો આરોપ લાગ્યો છે. સીએ અભિષેક જૈન પર આરોપ છે કે તેણે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આશરે 2,395 કરોડ રૂપિયા વિદેશ મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી.

સીએના પેપરના આધારે આ લેવડદેવડ 2021થી 2024 વચ્ચેના ત્રણ વર્ષમાં થઈ હતી. આવકવેરા વિભાગે આ મામલાની તપાસ કરી ત્યારે નકલી પ્રમાણપત્ર જારી કરવાનો ખુલાસો થયો.

સમગ્ર બાબત પ્રકાશમાં આવ્યા બાદ સીએ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તે અનુસાર રૂપિયા વિદેશ મોકલવા માટે આશરે 40 ફર્મના નામે અભિષેક જૈન દ્વારા પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા હતા. જોકે જેમના નામે રકમ મોકલવામાં આવી તેમાંથી ઘણાની આવક અત્યંત ઓછી મળી આવી અથવા તેમણે રિટર્ન ફાઇલ કર્યું નહોતું.

શું છે સમગ્ર મામલો

ઇનકમ ટેક્સ વિભાગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભિષેક જૈન સામે જયપુરના પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે સીએ-એ યોગ્ય દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના ફોર્મ 15સીબી-ના 3,168 સર્ટિફિકેટ જારી કર્યા હતા.

આ સર્ટિફિકેટ્સના આધારે આશરે 2,395 કરોડ રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા. 15સીબી સર્ટિફિકેટ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જારી કરવામાં આવતું એક સત્તાવાર પ્રમાણપત્ર છે, જેનો ઉપયોગ ભારતમાંથી વિદેશમાં નાણાં મોકલતી વખતે ટેક્સ અને ટીડીએસની સ્થિતિ ચકાસવા માટે થાય છે.

આ મામલો 18 ઓગસ્ટે ઇનકમ ટેક્સ વિભાગની તપાસ શાખા દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ સામે આવ્યો. આ દરમિયાન જયપુરના પત્રકાર કોલોની વિસ્તારમાં સીએ અભિષેક જૈનની ઓફિસની પણ તપાસ કરવામાં આવી હતી. વિભાગની ફરિયાદ અનુસાર, સર્વે દરમિયાન મળેલા દસ્તાવેજોમાં વિદેશી લેવડદેવડ સાથે જોડાયેલા ફોર્મ 15સીબી સર્ટિફિકેટની વિગતો મળી. એફઆઈઆર મુજબ આ લેવડદેવડ નાણાકીય વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 દરમિયાન થઈ હતી.

શંકાસ્પદ કંપનીઓ

વિભાગે આ લેવડદેવડ સાથે જોડાયેલા ઘણા લોકો અને કંપનીઓની નાણાકીય સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આમાંથી કેટલાકે તો ઇનકમ ટેક્સ રિટર્ન પણ ફાઇલ કર્યું નહોતું અથવા તેમની કોઈ મોટી વ્યાપારિક પ્રવૃત્તિ કે આવક નહોતી, છતાં તેમના નામે મોટી રકમ વિદેશ મોકલવામાં આવી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર જરૂરી ચકાસણી પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નહોતું. આરોપ છે કે આશરે 40 ફર્મ, કંપનીઓ અને ટ્રસ્ટો દ્વારા વિદેશી રકમ મોકલવામાં આવી જેને આવકવેરા વિભાગે શંકાસ્પદ અથવા નકલી ગણાવી છે.

પોલીસ હવે બેંક ખાતાં, વિદેશી લેવડદેવડના રેકોર્ડ, ફોર્મ 15સીબી સર્ટિફિકેટ અને કંપનીઓ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ કરશે. તપાસ એજન્સીઓ એ પણ જોશે કે લેવડદેવડ શરૂ કરનારા લોકો અને કોઈ વચેટિયા કે અન્ય સામેલ લોકોની શું ભૂમિકા હતી? તપાસથી જ ખબર પડશે કે આ ગડબડ માત્ર સર્ટિફિકેટ જારી કરવા પૂરતી સીમિત હતી કે તે કોઈ મોટા નાણાકીય નેટવર્કનો ભાગ હતી?

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular