1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના મેયર અને પદાધિકારીઓની પસંદગી અંગે ભાજપમાં ચાલતી મથામણ
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના મેયર અને પદાધિકારીઓની પસંદગી અંગે ભાજપમાં ચાલતી મથામણ

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના મેયર અને પદાધિકારીઓની પસંદગી અંગે ભાજપમાં ચાલતી મથામણ

0

ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જંગના ત્રીજી ઓક્ટોબરના રોજ જાહેર થયેલા પરિણામમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ત્યારે આગામી દસ દિવસમાં  મ્યુનિ.  કોર્પોરેશનની સામાન્ય સભા મળશે તે માટેનો એજન્ડા બે દિવસમાં જાહેર કરીને નવા મેયર સહિતના અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ નિયમ મુજબ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવી હોય તો ચુંટાયેલા કાઉન્સિલરોને એક અઠવાડિયા પહેલા જાણ કરવાની હોય છે. હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો હોવાથી સામાન્ય સભાનું આયોજન કરાયું નથી. પરંતુ હવે નવરાત્રિ પૂરી થતાં જ એજન્ડા જાહેર કરાય તેવી શક્યતા છે. આ અંગે સંગઠન અને તંત્ર વચ્ચે વાતચીત થઈ છે.  અને આગામી 10 દિવસમાં યોજાનારી સામાન્ય સભામાં મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની પસંદગી કરવામાં આવશે. ત્યારે આ વખતે પ્રથમ અઢી વર્ષની મુદત અનુસૂચિત જાતિના મેયર માટે અનામત છે. શાસક પક્ષમાંથી એસસી બેઠક પરથી પાંચ ઉમેદવાર ચૂંટાયેલા છે, જેમાં બે પુરુષ અને ત્રણ મહિલા છે. અઢી વર્ષની બીજી ટર્મમાં મહિલા માટે મેયર પદ અનામત છે. આથી પ્રથમ અઢી વર્ષ માટે ભાજપમાંથી ચૂંટાયેલા અનુસૂચિત જાતિના પાંચ સભ્યોમાંથી કોઈની પસંદગી થવાનું નિશ્ચિત છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ,  ગાંધીનગરના મેયર પદની રેસમાં વોર્ડ-8માંથી ચૂંટાયેલા હિતેષ મકવાણા સૌથી આગળ ચાલી રહ્યા છે. હિતેષભાઈના નામ પર સર્વ સંમતિ ન સધાય તો વોર્ડ-4માંથી વિજયી બનેલા ભરત દિક્ષિત પર કળશ ઢોળાય તેવી શક્યતા છે. મજબૂત પૃષ્ઠભૂમિ ધરાવતા હિતેષભાઈ અને ભરતભાઈમાંથી કોની પસંદગી થાય છે તે જોવું રહ્યું. બંને પુરુષ ઉમેદવાર વચ્ચે ટાઈ જેવી સ્થિતિ સર્જાય તો અનુસૂચિત જાતિનાં ત્રણ મહિલા કોર્પોરેટરના નામ પર પણ વિચાર થઈ શકે છે. વોર્ડ-1માંથી મીનાબેન મકવાણા, વોર્ડ-5માંથી કૈલાસબેન સુતરીયા, વોર્ડ-1માંથી સેજલબેન પરમારની પસંદગી થકી નારી સશક્તિકરણના સરકારના નારાને વધુ બુલંદ કરવાની કવાયત પણ થઈ શકે છે.

મેયરની પસંદગી કરવાનું ચૂંટાયેલા સભ્યો કે મોવડીમંડળ માટે પ્રમાણમાં સરળ છે, પરંતુ સ્થાયી સમિતીના ચેરમેન પદે કોને મૂકવા તે અંગે ભારે ખેંચતાણ ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં સ્થાયી સમિતીના ચેરમેનનું પદ ઘણું મહત્ત્વનું હોય છે. આ પદ પર પાટીદાર અથવા રાજપૂત સમાજમાંથી કોઈની પસંદગી નિશ્ચિત મનાય છે. ગાંધીનગર મ્યુનિ. વિસ્તારની હદ વધ્યા બાદ હવે રાજપૂત સમાજ પણ પાટીદાર સમાજ જેટલો જ મજબૂત દાવેદાર થયો છે. પાટીદાર સમાજમાંથી પસંદગી કરવાની થાય તો આ પદ પર મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ (દાસ)નું નામ મોખરે છે. સંગઠન પર પકડ ધરાવતા દાસ જંગી બહુમતીથી વોર્ડ-10માંથી ચૂંટાયા છે. સંગઠન અને મ્યુનિ. હોદ્દેદારો વચ્ચે સંકલન રાખવામાં નિપુણતા ધરાવતા દાસની કુનેહનો ઉપયોગ ઘર્ષણ ટાળવામાં ઉપયોગી થઈ શકે છે. દાસ ઉપરાંત વોર્ડ-11ના જશવંતલાલ પટેલ પણ પીઢ કાર્યકર તરીકે જાણીતા છે. સ્પષ્ટવક્તા અને પરિપક્વ ગણાતા જશવંતલાલની નિષ્ઠા પ્રત્યે પક્ષમાં કોઈને શંકા નથી. રાજપૂત સમાજમાંથી પસંદગી કરવાની આવે તો વોર્ડ-7ના યુવા કાઉન્સિલર પ્રેમલસિંહના નામ અંગે પણ વિચારણા થવાની સંભાવના છે. સ્વચ્છ છબિ અને પ્રતિષ્ઠિત વેપારી તરીકેની છબિ ધરાવતા પ્રેમલસિંહને અન્ય સભ્યો પણ સરળતાથી સ્વીકારવા તૈયાર છે. આ ઉપરાંત વોર્ડ-4માંથી જીતેલા જસપાલસિંહ બિહોલાની દાવેદારીને પણ અવગણી શકાય તેમ નથી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો પર સરખું વર્ચસ્વ ધરાવતાં રાજપૂત સમાજના આ બંને સભ્યો વિવાદ વગર નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.