1. Home
  2. ગુજરાતી
  3. ઇ-કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં મકાનમાં પણ પ્રસરી, 7ના મોત
ઇ-કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં મકાનમાં પણ પ્રસરી, 7ના મોત

ઇ-કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં મકાનમાં પણ પ્રસરી, 7ના મોત

0
Social Share

ઈન્દોર, 18 માર્ચ 2026: મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ત્રણ માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 7 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઘરની બહાર ચાર્જિંગમાં મુકેલી ઈલેક્ટ્રિક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું મકાન તેની ચપેટમાં આવી ગયું હતું.

મળતી માહિતી મુજબ, આ ઘટના ઈન્દોરના તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આગની ભયાનક જ્વાળાઓ જોઈને આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સમયે મકાનમાં 10 થી વધુ લોકો હાજર હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ 3 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું, પરંતુ કમનસીબે 7 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે મકાનની અંદર ફસાયેલા લોકોની બૂમાબૂમ અને ચીસો બહાર સુધી સંભળાઈ રહી હતી. પરંતુ આગની વિકરાળ જ્વાળાઓ અને ગાઢ ધુમાડાના કારણે અંદર પ્રવેશીને તેમને બચાવવા અત્યંત મુશ્કેલ હતા. દમકલ કર્મીઓએ જીવના જોખમે અંદર પ્રવેશીને બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ કેટલાક લોકો માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

ઈન્દોરના કલેક્ટર શિવમ વર્માએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, જે મકાનમાં આગ લાગી તે મનોજ નામના એક વેપારીનું છે. તેમણે પોતાના ઘરની બહાર ઈલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગમાં લગાવ્યું હતું. તે જ વખતે શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં ત્રણ માળનું મકાન ભીષણ આગની લપેટમાં આવી ગયું. હાલ ફાયર બ્રિગેડની 8 થી 10 લોકોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.

હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે મૃતકોના પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. આ દર્દનાક દુર્ઘટનાએ ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ વખતે રાખવામાં આવતી સાવચેતીઓ અને સુરક્ષાના મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ IPL 2026 માં આ 3 બોલરો વિકેટોની બેવડી સદી લગાવી શકે છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code