બેંગલુરુ, 18 સપ્ટેમ્બર 2026: બેંગલુરુ શહેર લોકાયુક્તની એક વિશેષ ટીમે સુઆયોજિત છટકું ગોઠવીને સેન્ટ્રલ જીએસટી (GST) સુપરિન્ટેન્ડેન્ટને 8 લાખની લાંચ લેતા કેમેરા સમક્ષ રંગેહાથ ઝડપી લીધા છે.
આરોપી અધિકારીની ઓળખ મોહિત પ્રતાપ સિંહ તરીકે કરવામાં આવી છે, જેઓ સાઉથ કમિશનરેટના સાઉથ ડિવિઝન-4માં સેન્ટ્રલ જીએસટી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે.
લોકાયુક્તના જણાવ્યા અનુસાર, સિંહે બાકી GST લેણાંનો નિકાલ કરવા અને એક વેપારી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી કથિત ખોટી ફરિયાદ બંધ કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી.
ખોટી ફરિયાદ પાછી ખેંચવાના બદલામાં માંગી હતી લાંચ
લોકાયુક્તના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદી સૈયદ ઝમીરે આક્ષેપ કર્યો હતો કે મોહિત પ્રતાપ સિંહ તેમની સામે સેન્ટ્રલ જીએસટી (GST)ની બાકી લેણી રકમ અંગે દાખલ કરવામાં આવેલી ખોટી ફરિયાદને દબાવી દેવા માટે 8 લાખની માંગણી કરી રહ્યા હતા. આ પરિસ્થિતિથી પરેશાન થઈને વેપારીએ લોકાયુક્ત પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો: દિલ્હીમાં 16 વર્ષની કિશોરીની ગેંગરેપ બાદ હત્યા, ત્રણ સગીર સહિત ચાર આરોપીઓ ઝડપાયા
જાળ બિછાવ્યા બાદ એક વચેટિયાની પણ કરવામાં આવી ધરપકડ
ફરિયાદ મળ્યા બાદ, બેંગલુરુ શહેર લોકાયુક્તના અધિકારીઓએ છટકું ગોઠવ્યું અને સિંહને એક વચેટિયા મારફતે લાંચની રકમ સ્વીકારતી વખતે ઝડપી લીધા.
લોકાયુક્તે જણાવ્યું હતું કે સલમાન શેખ નામના એક ખાનગી વ્યક્તિએ કથિત રીતે આ વ્યવહારમાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ કેસમાં તેમને સહ-આરોપી પણ બનાવવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંચની રકમ કોરામંગલા સ્થિત ‘કેન્દ્રીય સદન’માં અધિકારીની ચેમ્બરની અંદર સ્વીકારવામાં આવી રહી હતી, જ્યાં સમગ્ર ટ્રેપ ઓપરેશન (છટકું ગોઠવવાની કાર્યવાહી) પાર પાડવામાં આવ્યું હતું.
આ કિસ્સામાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 (2018માં સુધારેલ) ની કલમ 7એ હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. લોકાયુક્તે જણાવ્યું છે કે આ બાબતના અન્ય પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે.
વધુ વાંચો: કોરબામાં તળાવમાં ડૂબી 3 બાળકીનાં મોત, કલાકો બાદ રેસ્ક્યૂ ટીમે મૃતદેહ શોધી કાઢ્યા


