Homeગુજરાતીગુજરાતસુરતમાં નશામાં ધૂત નબીરાએ ઓડી કાર પૂરફાટ ઝડપે દોડાવીને 10 વાહનોને અડફેટે...

સુરતમાં નશામાં ધૂત નબીરાએ ઓડી કાર પૂરફાટ ઝડપે દોડાવીને 10 વાહનોને અડફેટે લીધા,

સુરતઃ શહેરના વેસુ કેનાલ રોડ પર ગત રાત્રે નશામાં ધૂત એક નબીરાએ ઓડીકારને બેફામ અને પુરફાટ ઝડપે દોડાવીને 10 જેટલાં વાહનોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં ત્રણ વાહનચાલકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ ઓડીચાલક નબીરો કાર સાથે જ ભાગી જતાં લોકોએ તેનો પીછો કર્યો હતો. દરમિયાન ઓડાકારના આગળના ટાયરમાં પંકચર પડી જતાં કાર ધીમી પડતા લોકોએ ઓડીકારચાલક નબીરોને પકડી પાડ્યો હતો. અને ત્યારબાદ પોલીસને સોંપ્યો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ગત મોડી રાતે સુરતમાં વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઓડીકારચાલક નબીરાએ લોકોથી બચવા માટે કાર વધુ ગતિએ હંકારી હતી અને ભાગી જતા લોકોએ પીછો કર્યો હતો. દરમિયાન ઓડી કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ કાર રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.

આ અકસ્માતના બનાવની પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

સુરત શહેરમાં રાત્રે ટહેલવા નીકળતા નબીરાઓ પૂરફાટ ઝડપે અને બેફામ વાહનો દોડાવતા હોય છે. અને નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છેય ત્યારે પોલીસે રાત્રે પણ ચેકિંગ કરીને પૂરફાટ દોડતા વાહનોને અંકૂશમાં લેવા જોઈએ. તેવી માગ ઊઠી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular