1. Home
  2. ગુજરાતી
  3. યુરોપના હથિયારોથી ભારત પર હમલા થાય છે, અમે ક્યારેય યુરોપનું અહિત નથી કર્યુંઃ ડો. જયશંકર
યુરોપના હથિયારોથી ભારત પર હમલા થાય છે, અમે ક્યારેય યુરોપનું અહિત નથી કર્યુંઃ ડો. જયશંકર

યુરોપના હથિયારોથી ભારત પર હમલા થાય છે, અમે ક્યારેય યુરોપનું અહિત નથી કર્યુંઃ ડો. જયશંકર

0
Social Share

નવી દિલ્હી, 12 જૂન 2026: રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી અંગે વારંવાર સવાલો ઉઠાવતા યુરોપિયન દેશો અને અમેરિકાને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આકરા શબ્દોમાં ખરી-ખરી સંભળાવી છે. ફિનલેન્ડમાં આયોજિત એક વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કરતા જયશંકરે જણાવ્યું હતું કે, યુરોપિયન દેશો ભારતના દુશ્મનોને એવા હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ હુમલા કરવા માટે થાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતે ક્યારેય યુરોપની સુરક્ષા જોખમાય તેવું કોઈ કામ કર્યું નથી.

ફિનલેન્ડમાં યોજાયેલી ‘કુલતારંતા ટોક્સ’ દરમિયાન ‘ઇમર્જિંગ પાવર્સ એન્ડ ધ ન્યૂ જિયોપોલિટિકલ કમ્પિટિશન’ વિષય પર પેનલ ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચામાં ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોનન અને યુએઈના સહાયક વિદેશ મંત્રી લાના નુસેબેહ પણ ઉપસ્થિત હતા. ચર્ચા દરમિયાન એક પશ્ચિમી પત્રકારે ભારત પર ‘રશિયા પ્રત્યે વધુ પડતી સહાનુભૂતિ’ રાખવાનો અને તેલ ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. આ સવાલ પર વિદેશ મંત્રીએ રાષ્ટ્રીય હિતો અને એનર્જી સિક્યોરિટીને પ્રાધાન્ય આપતા અત્યંત આક્રમક અને તાર્કિક જવાબ આપ્યો હતો.

  • ભારતીયોએ ક્યારેય યુરોપને ખતરામાં મૂકે તેવું કોઈ પગલું નથી ભર્યું

વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપની ઐતિહાસિક અને નૈતિક વિસંગતતાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “કોઈપણ યુરોપિયન દેશ પર ક્યારેય ભારતીય હથિયારોથી હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારોને લઈને ભારત માટે પણ આ જ વાત કહી શક્યો હોત! યુરોપ એવા દેશોને હથિયારો સપ્લાય કરે છે, જેનો ઉપયોગ ભારત પર હુમલા માટે થાય છે. આ સિલસિલો આજકાલનો નથી, વર્ષોથી ચાલી રહ્યો છે. બીજી તરફ, અમે ભારતીયોએ ક્યારેય યુરોપને ખતરામાં મૂકે તેવું કોઈ પગલું નથી ભર્યું.”

તેમણે ઉમેર્યું કે ભારત પોતાની જરૂરિયાત, તેલની કિંમત અને બજારમાં ઉપલબ્ધતાના આધારે જ નિર્ણય લે છે. જ્યારે યુરોપિયન દેશો મિડલ ઈસ્ટ (જે ભારતનો પરંપરાગત સપ્લાયર હતો) માંથી તેલ ખરીદી રહ્યા હતા, ત્યારે ભારતે રશિયા તરફ વળવું પડ્યું હતું. વર્ષ 2022ની વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા જયશંકરે અમેરિકાની બેધારી નીતિનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે રશિયા પર પ્રતિબંધો બાદ ગ્લોબલ એનર્જી માર્કેટ તૂટી રહ્યું હતું, ત્યારે વોશિંગ્ટને જ નવી દિલ્હીને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક સ્તરે મોંઘવારી કાબૂમાં રહે.

અમેરિકા પર કટાક્ષ કરતા જયશંકરે કહ્યું હતું કે, “અમેરિકાએ જ ભારતને રશિયન તેલ ખરીદવા કહ્યું હતું જેથી ગ્લોબલ માર્કેટમાં સ્થિરતા જળવાઈ રહે. અગાઉ રશિયન તેલ પર ભારે ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાએ પોતે જ પ્રતિબંધો હટાવી લીધા. એટલે હવે કોઈ એવો દેખાવ ન કરે કે આમાં કોઈ બહુ મોટો સિદ્ધાંત કે નૈતિકતા સામેલ છે. નીતિઓ એક દિવસ લાગુ થાય છે અને બીજા દિવસે બદલાઈ જાય છે- એટલે કે જ્યારે પોતાના ફાયદાની વાત હોય ત્યારે નિયમો અલગ અને બીજા માટે અલગ! અમે બધા સમજદાર લોકો છીએ અને જાણીએ છીએ કે આ આખી રમત કેવી રીતે રમાય છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code