ઈરાને ચીની જાસૂસી સેટેલાઈટની મદદથી પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈન્ય મથકોની કરી જાસૂસી
તેહરાન, 15 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનની સૈન્ય ક્ષમતાઓને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને ચીન પાસેથી ગુપ્ત રીતે એક અત્યાધુનિક જાસૂસી સેટેલાઈટ મેળવ્યો છે. આ સેટેલાઈટ દ્વારા ઈરાને સમગ્ર ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય મથકો પર નજર રાખી હતી અને હુમલાઓ કરવા માટે વ્યૂહાત્મક ડેટા એકત્રિત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, TEE-01B નામનો આ સેટેલાઈટ ચીની કંપની ‘અર્થ આઈ કો.’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ચીનથી જ લોન્ચ કરાયો હતો. વર્ષ 2024ના અંતમાં ઈરાનની ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (આઈઆરજીસી) ની એરોસ્પેસ ફોર્સે આ સેટેલાઈટનો સંપૂર્ણ અંકુશ પોતાના હાથમાં લીધો હતો.
ઈરાની સૈન્યના લીક થયેલા દસ્તાવેજો અનુસાર, આઈઆરજીસીના કમાન્ડરોએ આ સેટેલાઈટને સીધા નિર્દેશો આપીને અમેરિકી સૈન્ય મથકોના કોઓર્ડિનેટ્સ અને ઈમેજરી મેળવી હતી. આ ડેટામાં માર્ચ મહિનાની એવી તસવીરો પણ સામેલ છે, જે તે સ્થળોની છે જ્યાં ડ્રોન અને મિસાઈલ હુમલા થયા હતા. હુમલા પહેલા અને પછીની તસવીરોનું વિશ્લેષણ કરીને ઈરાને તેની વિનાશક ક્ષમતાની અસર ચકાસી હોવાનું મનાય છે.
સેટેલાઈટ દ્વારા મેળવવામાં આવેલી વિગતોમાં સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન એરબેઝ, જોર્ડનના મુવફ્પાક સાલ્ટી એરપોર્ટ, બહેરીનના મનાકસા પાસે અમેરિકાના પાંચમાં કાફલાનું મથક, અને ઈરાકમાં એરબિલ એરપોર્ટની આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, ઈરાનને બેજિંગ સ્થિત ‘એમ્પોસેટ’ કંપનીના ગ્રાઉન્ડ સ્ટેશન નેટવર્કનો એક્સેસ પણ મળ્યો હતો. આ નેટવર્ક એશિયા અને લેટિન અમેરિકા સુધી ફેલાયેલું છે, જેના કારણે ઈરાનને ડેટા ટ્રાન્સમિશનમાં મોટી ટેકનિકલ ધાર મળી હતી. જોકે, રોયટર્સ જેવી સમાચાર સંસ્થાઓએ આ અહેવાલની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.
આ ગંભીર ખુલાસા બાદ હજુ સુધી વ્હાઇટ હાઉસ, પેન્ટાગોન, સીઆઈએ કે ચીનના વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ઘટનાક્રમે પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં એક નવું અને જોખમી પાસું ઉમેર્યું છે.


