આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં મોટાભાગનો સમય બેસીને જ પસાર થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કે, ‘બીએમસી મેડિસિન’માં પ્રકાશિત થયેલી એક નવી રિસર્ચમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. આ અભ્યાસ મુજબ, રોજિંદા જીવનમાં માત્ર ૩ મિનિટની નાની પરંતુ ઝડપી શારીરિક પ્રવૃત્તિ પણ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
લગભગ 60 હજાર લોકોના ડેટા પર આધારિત આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો જ પડે તે જરૂરી નથી. દરરોજ સીડીઓ ચડવા-ઉતરવા, ઝડપથી ચાલવા અથવા થોડી મિનિટો માટે જોગિંગ કરવા જેવી દૈનિક ક્રિયાઓ 13 પ્રકારના કેન્સરના જોખમને ઘટાડી શકે છે. આ ઉપરાંત, આશરે 15 મિનિટની વોક કે હળવી કસરત પણ શરીરને સક્રિય રાખવા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ માત્ર પ્રવૃત્તિ અને કેન્સરના જોખમ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તેથી તે કેન્સર સામે સંપૂર્ણ સુરક્ષાની ગેરંટી નથી. લાંબા સમય સુધી બેસી રહેવાની આદત બદલીને દિવસ દરમિયાન નાના-નાના વ્યાયામના બ્રેક લેવા, સીડીઓનો ઉપયોગ કરવો અને સંતુલિત આહાર અપનાવવો સ્વાસ્થ્ય માટે ઉત્તમ વિકલ્પ છે.


