Homeગુજરાતીપશ્ચિમ બંગાળમાં STFના દરોડામાં હથિયારોનો મોટો જથ્થો જપ્ત

પશ્ચિમ બંગાળમાં STFના દરોડામાં હથિયારોનો મોટો જથ્થો જપ્ત

કોલકાતા, 6 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર કાયદો અને વ્યવસ્થાને પાટા પર લાવવા તેમજ ગુનેગારો સામે આકરા પગલાં લેવા માટે સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા સાંપડી છે. એસટીએફની ટીમે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે સામૂહિક દરોડા પાડીને ભારે માત્રામાં ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતુસનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સત્તાવાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, એસટીએફની ટીમને સરહદી વિસ્તારોમાં હથિયારો છુપાવ્યા હોવાના ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા. જેના આધારે એસટીએફ, બસીરહાટ પોલીસ જિલ્લા ફોર્સ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે કુમરાખાલીના સરબેરિયા બજાર, બસંતી અને હિંસા પ્રભાવિત સંદેશખાલી વિસ્તારમાં એકસાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ જોઈન્ટ ઓપરેશન દરમિયાન વિવિધ ગુપ્ત અડ્ડાઓ પરથી દેશી બનાવટની બંદૂકો, અત્યાધુનિક પિસ્તોલ અને સેંકડો કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસ એજન્સીઓના મતે, આ હથિયારોનો જથ્થો રાજ્યની શાંતિ ડહોળવા અને કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવાના હેતુથી અગાઉથી જ છુપાવીને રાખવામાં આવ્યો હતો. એસટીએફ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયારો ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યા હતા અને આ આખા હથિયાર તસ્કરી સિન્ડિકેટ પાછળ કયું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં આ મામલે કેટલીક હાઈપ્રોફાઈલ ધરપકડ થાય તેવી પણ સંભાવના છે.

  • મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પોલીસની પ્રશંસા કરી

બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પોલીસની આ મોટી સફળતા બદલ રાજ્ય પોલીસની મુસ્તૈદીની ભારે પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, “આ મોટી સફળતા બદલ પશ્ચિમ બંગાળ પોલીસને હાર્દિક અભિનંદન. સચોટ ગુપ્ત માહિતીના આધારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ કુમરાખાલી, બસંતી અને સંદેશખાલી ક્ષેત્રોમાં વ્યાપક દરોડા પાડીને હિંસા ફેલાવવાના હેતુથી છુપાવેલા ગેરકાયદેસર હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. હું ડીજીપી, એસટીએફ ટીમ અને બસીરહાટ પોલીસના આ સચોટ સમન્વયની પ્રશંસા કરું છું.”

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ અગાઉની મમતા બેનરજી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પૂર્વ શાસન પર નિશાન સાધતા કહ્યું કે, અગાઉની વ્યવસ્થા દરમિયાન આવા ગેરકાયદેસર હથિયારો એકઠા કરવામાં આવ્યા હતા અને સામાન્ય નાગરિકોને ડરાવવા માટે તેનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હતો. આ હિંસક સંસ્કૃતિએ વિપક્ષી દળોના અનેક કાર્યકર્તાઓ, ખાસ કરીને અત્યાચાર સામે અવાજ ઉઠાવનારા સમર્પિત ભાજપ કાર્યકર્તાઓનો ભોગ લીધો છે.

સીએમ અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, “બંગાળના એ કાળા દિવસો હવે પૂરા થઈ ચૂક્યા છે. અમારી સરકાર કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અમે પશ્ચિમ બંગાળના ખૂણે-ખૂણેથી ગેરકાયદેસર હથિયારના એક-એક ટુકડાને શોધીને બહાર કાઢીશું. રાજ્યમાંથી ગુનાખોરી અને રાજકીય આતંકવાદનો જડમૂળથી ખાતમો કરવામાં આવશે અને બંગાળમાં સાચા અર્થમાં શાંતિ, સુરક્ષા અને લોકશાહીની સ્થાપના થશે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular