નવી દિલ્હી, 24 ઑક્ટોબર, 2026 – Delhi traders’ appeal to Rahul Gandhi વંદા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ અને ડાબેરીઓને કારણે છેલ્લા કેટલાય મહિનાથી મુશ્કેલી અનુભવી રહેલા દિલ્હીના વેપારીઓએ હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યોજાનારી આગામી ઈન્ડી ગઠબંધનની રેલી થોડા દિવસ મોકૂફ રાખવા અપીલ કરી છે.
દિલ્હીના રામલીલા મેદાન ખાતે 1 નવેમ્બરના રોજ કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતા દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોના સંગઠન ‘ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી‘ (CTI) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને આ રેલીને દિવાળીના તહેવાર પૂરા થાય ત્યાં સુધી સ્થગિત કરવા માટે અનુરોધ કર્યો છે.
CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “અમને માહિતી મળી છે કે આપણી પાર્ટી તરફથી 1 નવેમ્બરના રોજ રામલીલા મેદાનમાં રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપને નમ્ર નિવેદન છે કે આ રેલીને 10 નવેમ્બર (ભાઈબીજ) સુધી સ્થગિત કરવામાં આવે, કારણ કે હાલમાં દિવાળીનો વેપાર તેની પીક સીઝન પર છે.”

પત્રમાં લખવામાં આવ્યું છે કે, “આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે છે, દિવાળી 8 નવેમ્બરે અને ભાઈબીજ 10 નવેમ્બરે છે. લોકો એક અઠવાડિયા અગાઉથી જ ધનતેરસ અને દિવાળીની ખરીદી શરૂ કરી દે છે. માત્ર ધનતેરસને લઈને જ દિલ્હીના તમામ ક્ષેત્રો જેવાં કે સોના-ચાંદી, વાસણો, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ઓટોમોબાઈલ, વાહનો, પ્રોપર્ટી અને ગિફ્ટ આઇટમ્સમાં આશરે 25 હજાર કરોડ રૂપિયાનો વેપાર થાય છે. આ વેપાર દિલ્હીના અર્થતંત્રની કરોડરજ્જુ છે.”
જુઓ વીડિયો…
રામલીલા મેદાનની આસપાસ છે દિલ્હીના મોટાં બજારો
CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે એક વીડિયો જારી કરતા જણાવ્યું હતું કે, “રામલીલા મેદાનના 5 કિમીના ઘેરાવામાં દિલ્હીના સૌથી ઐતિહાસિક અને પ્રસિદ્ધ હોલસેલ તથા રિટેલ બજારો આવેલાં છે, જેમાં ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, ભગીરથ પેલેસ, ખારી બાવલી, કશ્મીરી ગેટ, નયા બજાર, મોરી ગેટ, કિનારી બજાર, દરીબા, દરિયા ગંજ, અજમેરી ગેટ, જામા મસ્જિદ, ઝંડેવાલા, કરોલ બાગ, નબી કરીમ, આઝાદ માર્કેટ અને લાજપત રાય માર્કેટનો સમાવેશ થાય છે. આ બજારોમાંથી સમગ્ર ભારતમાં માલ મોકલવામાં આવે છે. જૂની દિલ્હી રેલવે સ્ટેશન અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પણ રામલીલા મેદાનની નજીક જ આવેલાં છે. દરરોજ લાખો વેપારીઓ અને ખરીદદારો આ સ્ટેશનો દ્વારા દિલ્હી આવતા-જતા હોય છે.”
આ પણ વાંચોઃ વર્ષો સુધી ગમાણના બારણાનો ટેકો બની રહેલો પથ્થર નીકળ્યો કિંમતી ઉલ્કાપિંડ
તેમણે કહ્યું કે કોંગ્રેસની રેલીના કારણે ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રો સ્ટેશન બંધ રહેવા અને બેરિકેડિંગને કારણે આ બજારોનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ જશે. બ્રિજેશ ગોયલે જણાવ્યું કે રેલી દરમિયાન રસ્તાઓ બંધ હોવા અને ભીડભાડના કારણે દિલ્હીની બહારથી આવતા-જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને બહારથી આવતા ખરીદદારો ડરના કારણે દિલ્હી આવવાનું ટાળી શકે છે, જેની સીધી અસર ધનતેરસ અને દિવાળીના વેપાર પર પડશે.
તેમણે ઉમેર્યું કે આ દિવાળીની પીક સીઝન છે. જો રેલી યોજાશે અને પોલીસે રસ્તાઓ બંધ કર્યા તો દિલ્હીના વેપારને લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. એટલા માટે અમે તમામ રાજકીય પક્ષોને એ જ અનુરોધ કરી રહ્યા છીએ કે ધનતેરસ (6 નવેમ્બર), દિવાળી (8 નવેમ્બર) અને ભાઈબીજ (10 નવેમ્બર) સુધી દિલ્હીના મુખ્ય બજાર વિસ્તારોમાં મોટી રેલીઓનું આયોજન ન કરવામાં આવે. સાથે જ રાહુલ ગાંધીને વેપારીઓની વેદના સમજીને 10 નવેમ્બર પછી રેલીનું આયોજન કરવા અંગે વિચારણા કરવા અપીલ કરવામાં આવી છે.


