તહેવારોમાં ઘરે જ બનાવો ખાસ કેસર શ્રીખંડ, જાણો રેસીપી
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઘરોમાં અવનવી વાનગીઓ બનવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. રંગોના આ ઉત્સવમાં જો મીઠાઈની વાત આવે અને એમાંય શ્રીખંડનું નામ ન લેવાય તો અધૂરું લાગે. ખાસ કરીને ગુજરાતનો કેસર શ્રીખંડ તેના ઘટ્ટ સ્વાદ અને મનમોહક સુગંધ માટે આખા દેશમાં પ્રખ્યાત છે. તમે પણ હોળીના તહેવારમાં અને ખાસ પ્રસંગ્રે આ શ્રીખંડ ઘરે જ બનાવી શકો છો.
- સામગ્રી
ઘટ્ટ દહીં: 2 કપ
દળેલી ખાંડ: 4થી ચમચી (સ્વાદ મુજબ)
કેસર: 1 ચપટી
ગરમ દૂધ: 2 ચમચી
ઈલાયચી પાવડર: અડધી ચમચી
ડ્રાયફ્રૂટ્સ: ઝીણા સમારેલા પિસ્તા અને બદામ (ગાર્નિશિંગ માટે)
બનાવવાની રીત
સૌથી પહેલા દહીંને એક મલમલના (પાતળા) કપડામાં બાંધીને 4 થી 5 કલાક માટે લટકાવી દો. જેથી દહીંનું બધું જ પાણી નીકળી જાય અને તે એકદમ ઘટ્ટ થઈ જાય. શ્રીખંડ માટે આવું ‘ચક્કા’ જેવું ઘટ્ટ દહીં ખૂબ જ જરૂરી છે. હવે આ ઘટ્ટ દહીંને એક બાઉલમાં કાઢી લો. તેમાં દળેલી ખાંડ ઉમેરીને ચમચી કે વિસ્કરની મદદથી ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી તે એકદમ મુલાયમ (સ્મૂધ) ન થઈ જાય. એક નાની વાટકીમાં ગરમ દૂધ લઈ તેમાં કેસરને ૫ મિનિટ માટે પલાળી રાખો. જ્યારે કેસરનો સરસ રંગ દૂધમાં ભળી જાય, ત્યારે આ દૂધને દહીંના મિશ્રણમાં ઉમેરી દો. સાથે જ ઈલાયચી પાવડર પણ નાખો. આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. હવે શ્રીખંડને 1 થી 2 કલાક માટે ફ્રીજમાં ઠંડો થવા મૂકી દો. પીરસતી વખતે ઉપરથી ઝીણા સમારેલા પિસ્તા અને બદામ ભભરાવો. તૈયાર છે તમારો અસલ ગુજરાતી સ્વાદવાળો કેસર શ્રીખંડ!


