Homeગુજરાતીટેકનોલોજી2047 સુધીમાં ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવું એ અમારો મુખ્ય...

2047 સુધીમાં ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવું એ અમારો મુખ્ય સંકલ્પ: રાજનાથ સિંહ

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર 2026: નવી દિલ્હી સ્થિત ડીઆરડીઓ ભવન ખાતે આયોજિત ‘ડીઆરડીઓ-ઈન્ડસ્ટ્રી સિનર્જી મીટ વિમર્શ 2026’ ને સંબોધિત કરતા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નું સ્વપ્ન માત્ર આર્થિક સમૃદ્ધિ સુધી સીમિત નથી. આ વિઝનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ટેકનોલોજિકલ ક્ષેત્રે આત્મનિર્ભર, સામાજિક રીતે સર્વસમાવેશી, પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ અને વ્યૂહાત્મક રીતે પૂર્ણ સુરક્ષિત બનાવવાનો છે. ભવિષ્યના યુદ્ધોમાં જે દેશ પાસે ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા હશે, તે જ દેશ વ્યૂહાત્મક બઢત મેળવી શકશે.

સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ડીઆરડીઓ અને ખાનગી સંરક્ષણ ઉદ્યોગો વચ્ચેનું જોડાણ માત્ર હથિયારો કે સાધનોના ઉત્પાદન સુધી સીમિત ન રહેવું જોઈએ. આ ભાગીદારીને સંશોધન, ડિઝાઇનિંગ, ટેસ્ટિંગ, સર્ટિફિકેશન અને મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઇન સુધી વિસ્તારવી અનિવાર્ય છે. દેશની મોટી કંપનીઓની સાથોસાથ એમએસએમઈ અને ડિફેન્સ સ્ટાર્ટઅપ્સને પણ આ સમગ્ર પ્રક્રિયામાં મહત્વનો ભાગ બનાવવામાં આવશે, જેથી દેશી સામગ્રીનો ઉપયોગ વધારી શકાય અને સંરક્ષણ નિકાસમાં મલ્ટિ-ફોલ્ડ ગ્રોથ મેળવી શકાય.

આજના યુગમાં ઉભરતી ટેકનોલોજી ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન સિસ્ટમ્સ આવનારા સમયના યુદ્ધ ક્ષેત્રનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખશે. સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે તેઓ સંશોધનની ઝડપ વધારે. જે કંપનીઓ અને દેશો આજે આધુનિક અને નવીન ટેકનોલોજીમાં રોકાણ કરશે, તેઓ જ ભવિષ્યના ટેકનોલોજીકલ લીડર બનશે.

  • આજની કલ્પના બનશે આવતીકાલની સૈન્ય ક્ષમતા

રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે આપણે માત્ર ભવિષ્યની ટેકનોલોજીની કલ્પના જ નથી કરવાની, પરંતુ ભવિષ્યની ટેકનોલોજીને આજે જ વિકસિત કરવાની છે. આપણે આગામી 40-50 વર્ષ પછી ભારતની સૈન્ય શક્તિ કેવી હશે તેનું આગોતરું આયોજન કરીને અત્યારથી જ કામ કરવું પડશે. આજની આપણી સર્જનાત્મક કલ્પનાઓ અને આરએન્ડડી (R&D) પરનો ભાર જ આવતીકાલની ભારતીય સૈન્યની વાસ્તવિક ઓપરેશનલ ક્ષમતાનું રૂપ ધારણ કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular