- વડનગરથી ૧૭ સપ્ટેમ્બરે યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે
- કાશીથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાન, તથા પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે
- આ સેવા બાઈક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 જેટલાં ગામડાંમાંથી પસાર થશે તથા અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષના જીવનમાંથી પ્રેરણા લઈ દેશના યુવાનોને સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાના સંકલ્પ સાથે આ ઐતિહાસિક યાત્રાનું આયોજન
ગાંધીનગર, 15 સપ્ટેમ્બર, 2026 – ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી આયોજિત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત યોજાનારી ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસી થી વડનગર‘ સેવા સંકલ્પ બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે પક્ષ દ્વારા યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમમાં સેવા સંકલ્પ બાઈક યાત્રાનો પણ સમાવેશ થાય છે.
આ અંગે આજે શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના લોકસભાના સાંસદ તથા યાત્રાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી વી. ડી. શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના 25 વર્ષ 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. એક કર્મયોગી વ્યક્તિએ સામાન્ય કાર્યકર્તાથી મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન સુધીની સફરમાં સતત સેવા અને રાષ્ટ્રનિર્માણને જીવનનો સંકલ્પ બનાવીને દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. આ 25 વર્ષની અવિરત સેવા યાત્રાની પ્રેરણાને દેશના યુવાનો સુધી પહોંચાડવાના હેતુથી ભાજપા યુવા મોરચા સહિત દેશભરના યુવાનોની ભાગીદારી સાથે આ બાઈક સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરે શરૂ થનારી આ યાત્રાની 7 ઓક્ટોબરે પૂર્ણાહુતિ થશે.

ભાજપના સાંસદે જણાવ્યું હતું કે, વડનગર ખાતે 17 સપ્ટેમ્બરે યોજાનારા યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
બીજી તરફ કાશીથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાન, તથા પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, વડનગર વડાપ્રધાનની જીવનયાત્રાની શરૂઆત અને જન્મભૂમિ છે, જ્યારે વારાણસી તેમની કર્મભૂમિ છે. જન્મભૂમિ અને કર્મભૂમિ બંને સ્થળેથી એકસાથે બે દિશામાં આ યાત્રા પ્રસ્થાન કરશે અને 7 ઓક્ટોબરે યાત્રાનું સમાપન થશે. વડનગરથી શરૂ થતી યાત્રા દેશના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ વારાણસી પહોંચશે અને વારાણસીથી શરૂ થતી યાત્રા પણ વડનગર તરફ આગળ વધશે. ભારતના ઇતિહાસમાં યુવાનો દ્વારા યોજાનારી આ વિશાળ બાઈક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 જેટલાં ગામડાંમાંથી પસાર થશે તથા અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે.
વડનગરથી 10 અલગ-અલગ ગ્રુપમાં યાત્રા નીકળશે અને દરેક ગ્રુપમાં 25 સેવા યાત્રીઓ મળી કુલ 250 સેવા યાત્રીઓ જોડાશે. એ જ રીતે કાશીથી પણ 10 ગ્રુપમાં 250 સેવા યાત્રીઓ યાત્રાનો પ્રારંભ કરશે. દેશભરમાં બંને દિશામાંથી નીકળનારી આ યાત્રામાં અંદાજે 1,000 જેટલા યુવાનો ભાગ લેશે. કાશીથી નીકળતી યાત્રા પૂર્વે કાશી આસપાસના વિવિધ નદીઓ તથા જળસ્ત્રોતોનું પવિત્ર જળ એકત્ર કરી કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જળકળશ સાથે યાત્રાનો પ્રારંભ થશે.
યાત્રા દરમિયાન દરરોજ પ્રસ્થાન સ્થળે 25 વૃક્ષોના ઉછેરનો સંકલ્પ કરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અને જળસંરક્ષણ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. યાત્રા જે ગામ અને વિસ્તારમાં પહોંચશે ત્યાં તેના આગમનના બે દિવસ અગાઉથી ભાજપા યુવા મોરચા, સ્થાનિક યુવાનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે અને સેવાભાવથી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
બાઈક સેવા યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યાત્રા વડનગરથી પ્રસ્થાન કરે તે પહેલાં તા. 13 સપ્ટેમ્બરથી ચાર અલગ-અલગ ઝોનમાંથી વડનગર સુધીની ઉપયાત્રાઓ પણ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના ચારેય ઝોનમાંથી નીકળેલી ઉપયાત્રા સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનની ઉપયાત્રા સોમનાથ મહાદેવના પવિત્ર ધામથી, ઉત્તર ઝોનની શામળાજીથી, મધ્ય ઝોનની પાવાગઢ ખાતેના મહાકાળી માતાજીના મંદિરથી અને દક્ષિણ ઝોનની ઉનાઈ માતાજીના મંદિર, નવસારીથી શરૂ થઈ છે. આ ચારેય ઉપયાત્રાઓ તા. 16 સપ્ટેમ્બરની રાત્રિ સુધીમાં વડનગર ખાતે પહોંચશે.
આ પત્રકાર પરિષદમાં શ્રી વી. ડી. શર્મા ઉપરાંત પ્રદેશ મહામંત્રી તથા ‘સેવા સંકલ્પ અભિયાન’ના પ્રદેશ પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી તથા બાઈક સેવા યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલ, યુવા મોરચાના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ શ્રી અમનદીપજી, યાત્રાની યુવા મોરચાની રાષ્ટ્રીય ટીમના મીડિયા ઇન્ચાર્જ કુ. પ્રજવલજી ઉપસ્થિત રહ્યા હતા.


