મમતા બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં, ભવાનીપુર બેઠક પર હારને આપી કાનૂની પડકાર
કોલકાતા, 16 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠકના ચુંટણી પરિણામોને કલકત્તા હાઈકોર્ટમાં કાનૂની પડકાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાઈ-પ્રોફાઈલ ગણાતી આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પરાજય આપ્યો હતો. આ કારમી હારને મમતા બેનર્જીએ સ્વીકારવાનો ઇનકાર કરીને હાઈકોર્ટમાં ચુંટણી અરજી દાખલ કરી છે.
વર્ષ 2026 ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને પોતાના જ પરંપરાગત ગઢ ગણાતા ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ તેમને 15105 મતોના અંતરથી પરાજિત કર્યા છે. આ અણધાર્યા પરિણામોએ રાજ્યના સમગ્ર રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. આ હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભારે અસંતોષ અને આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે. પક્ષમાં ભડકો એટલી હદે વધ્યો છે કે પહેલા ધારાસભ્યો અને હવે સાંસદોએ પણ નેતૃત્વ સામે બળવાના શિંગડા ફૂંક્યા છે.
-
EVM અને તમામ દસ્તાવેજો સીલ કરવા માંગ
મમતા બેનર્જીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં અત્યંત ગંભીર માંગણીઓ કરી છે. તેમણે ભવાનીપુર મતવિસ્તારના ચુંટણી સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાની અપીલ કરી છે. આ અરજીમાં મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ સત્તાવાર દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને તાત્કાલિક અસરથી સીલ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી આ મહત્વપૂર્ણ પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન થઈ શકે અથવા તેને નષ્ટ ન કરી શકાય.
મમતા બેનર્જી માટે ચુંટણી પરિણામોને કોર્ટમાં પડકારવાનો આ આખો મામલો નવો નથી. આ પહેલા વર્ષ 2021 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પણ નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી સામે મળેલી નજીવી હારને મમતાએ સ્વીકારી ન હતી. તે સમયે તેમણે મતગણતરીમાં ગેરરીતિનો આક્ષેપ લગાવી ફરી કાઉન્ટિંગ કરવાની માંગ સાથે કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. એ ચુંટણી વિવાદમાં કોર્ટે મમતા બેનર્જી પર અદાલતનો સમય બગાડવા બદલ રૂ. 5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને બાદમાં કેસ બીજી બેન્ચને સોંપાયો હતો, જે કાનૂની લડાઈ આજે પણ પેન્ડિંગ છે.
હવે વર્ષ 2026માં ઇતિહાસે ફરી પોતાનું પુનરાવર્તન કર્યું છે. શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને ફરી એકવાર ભવાનીપુર બેઠક પર પરાજય આપ્યો છે. આ નવી હાર બાદ મમતાએ બીજી અરજી દાખલ કરતાં હવે કલકત્તા હાઈકોર્ટમાં ‘મમતા બેનર્જી વિરુદ્ધ શુભેન્દુ અધિકારી’ વચ્ચેના બે અલગ-અલગ ચુંટણી વિવાદો પર એક સાથે કાનૂની સુનાવણી ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે.


