રાષ્ટ્રીય સુરક્ષા ધાર્મિક ઓળખ કરતાં સર્વોપરી: રાજસ્થાન હાઈકોર્ટ
જયપુર, 16 જુલાઈ 2026: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ધાર્મિક માળખાઓને તોડી પાડવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેંચે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, દેશની સુરક્ષા કોઈપણ ધાર્મિક ઓળખ કે આસ્થા કરતા વધુ મહત્વની અને સર્વોપરી છે. આ સાથે કોર્ટે સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે.
- શું હતો સમગ્ર વિવાદ?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પર સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં એક વિશેષ સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, પાકિસ્તાન સરહદથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી વિના અનેક મસ્જિદો, મદરેસા, દરગાહ અને અન્ય ધાર્મિક માળખા ઊભા કરી દેવાયા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. પ્રશાસને આ ગેરકાયદેસર માળખાઓને હટાવવા માટે નોટિસ ફટકારી હતી, જેને સ્થાનિક સમિતિઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.
- જસ્ટિસ સમીર જૈને કવિતાની પંક્તિઓ ટાંકી
જસ્ટિસ સમીર જૈનની ખંડપીઠે તમામ અરજીઓને ફગાવી દેતા કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સરહદ નજીક કાયદાકીય મંજૂરી વિના કરાયેલું બાંધકામ ગેરકાયદેસર જ ગણાશે અને તેને માત્ર ધાર્મિક આધાર પર સંરક્ષણ આપી શકાય નહીં. ચુકાદો આપતી વખતે જસ્ટિસ જૈને કવિતાની પંક્તિઓ ટાંકીને સમજાવ્યું કે, જ્યારે દેશની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યારે મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ બાબત ગૌણ બની જાય છે અને રાષ્ટ્રહિત જ સર્વોપરી રહે છે.
- બાંધકામની તપાસ માટે બનેલી સમિતિમાં કોણ સામેલ હશે?
સંબંધિત જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા (SP)
સીમા સુરક્ષા દળ (BSF) ના પ્રતિનિધિ
આ સમિતિ દરેક મિલકતની વ્યક્તિગત તપાસ કરશે અને જો સુરક્ષા માટે જોખમી જણાશે તો તેને તોડી પાડવાનો નિર્ણય લેશે. બાડમેર અને જેસલમેર જિલ્લામાં આ પ્રકારની કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે.


