તહેરાન, 24 ઓગસ્ટ, 2026 – One dollar is worth 2 million riyals! અમેરિકા સાથેના ઘર્ષણમાં ઈરાને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ઈરાનનું અર્થતંત્ર હવે એ હદે કંગાળ થઈ ગયું છે કે તેના રિયાલનું કોઈ આંતરરાષ્ટ્રીય મૂલ્ય રહ્યું નથી. રિયાલના કડાકાને કારણે ઈરાનમાં ખોરાક, દવાઓ અને દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે.
મીડિયા અહેવાલો અનુસાર એક અમેરિકી ડૉલર સામે 20.2 લાખ ઈરાની રિયાલ ચૂકવવા પડે છે. ઈરાની રિયાલની આ પડતી એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા તહેરાન ઉપર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે નવા પ્રતિબંધ ઈરાન માટે આર્થિક કંગાળી સાબિત થશે.
અહેવાલ અનુસાર આજે સવારે બજાર ખૂલતાંની સાથે એક અમેરિકી ડૉલર સામે ઈરાની રિયાલ વીસ લાખના સ્તરે પહોંચી ગયો હતો. ઈરાનની મધ્યસ્થ બેંકમાં અધિકૃત વિનિમય દર 15 લાખ પ્રતિ ડૉલર છે. પરંતુ મોટાભાગના ઈરાની નાગરિકોએ બજાર ભાવે ચૂકવણી કરવી પડે છે.
યુદ્ધના રવાડે ચડેલા ઈરાનનું ચલણ ઘણા સમયથી સતત નીચલી સપાટી તોડી રહ્યું છે.
નવા યુએસ પ્રતિબંધોનો ડર:
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે (Scott Bessent) ઈરાન પર વધુ કડક આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. અમેરિકા એવા દેશો પર પણ સેકન્ડરી સેન્ક્શન્સ (દ્વિતીય કક્ષાના પ્રતિબંધો) લગાવવાની તૈયારીમાં છે જે હજુ પણ ઈરાન સાથે વેપારી સંબંધો જાળવી રહ્યા છે.
યુએઈ સાથે વેપાર સ્થગિત:
યુએસના વધતા દબાણ વચ્ચે ઈરાનના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંના એક એવા સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ ઈરાન સાથેનો તમામ વેપાર સ્થગિત કરી દીધો છે.
ઈરાનની તંગડી હજુ ઊંચી
ઈરાનના વિદેશ મંત્રાલયે આ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના આર્થિક દબાણ સામે તેઓ શાંત નહીં બેસે, જ્યારે ઈરાનની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે ચેતવણી આપી છે કે અમેરિકી પ્રતિબંધોને સમર્થન આપનાર દેશોનું પગલું ‘યુદ્ધ સમાન’ ગણાશે.


