ઓપરેશન સિંદૂર ભારતની સ્માર્ટ પાવરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, સુરક્ષા વિના વિકાસ અશક્ય: આર્મી ચીફ
નવી દિલ્હી, 19 મે 2026: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ને ભારતની ‘સ્માર્ટ પાવર’ (ચતુર અને વહૂઆયામી વસૂલાત શક્તિ)નું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સૈન્ય અભિયાનમાં લશ્કરી કાર્યવાહી, માહિતી નિયંત્રણ, રાજદ્વારી સંદેશાવ્યવહાર અને આર્થિક દબાણ જેવા તમામ પાસાઓનો એકસાથે અને અત્યંત સચોટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરતા આર્મી ચીફે ઉમેર્યું કે, આ હુમલો ભારતીય સેનાની વ્યુહાત્મક ધીરજ (સ્ટ્રેટેજિક પેશન્સ)નો જીવતો-જાગતો પુરાવો હતો.
મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ‘સિક્યોરિટી ટુ પ્રોસ્પરિટી: સ્માર્ટ પાવર ફોર સસ્ટેન્ડ નેશનલ ગ્રોથ’ વિષય પરના રાષ્ટ્રીય સેમિનારમાં જનરલ દ્વિવેદીએ સૈન્ય અને વ્યુહાત્મક ક્ષમતા અંગે અત્યંત મહત્વના વિચારો રજૂ કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ઓપરેશને દુશ્મનના આતંકવાદી માળખાને ઊંડો આઘાત આપ્યો, તેમની પરંપરાગત વ્યુહાત્મક વિચારસરણીને તોડી પાડી અને ત્યારબાદ ૮૮ કલાક પછી ગણતરીપૂર્વક સૈન્ય કાર્યવાહી રોકી દેવામાં આવી હતી.
ભારત સારી રીતે જાણે છે કે ક્યારે કયું પગલું ભરવું’
સેના પ્રમુખે જણાવ્યું હતું કે, આ ઓપરેશન દર્શાવે છે કે ભારતને બરાબર ખબર છે કે કયા સમયે કયું પગલું કેટલી તીવ્રતાથી ઉઠાવવું અને ક્યારે લશ્કરી કાર્યવાહીને વ્યુહાત્મક લીડમાં બદલવી. આજે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને વૈશ્વિક વાતાવરણ પહેલા કરતાં વધુ જટિલ બન્યું છે. સમગ્ર વિશ્વમાં અરાજકતા, અવિશ્વાસ અને વિવિધ દેશોના ગઠબંધન વચ્ચે વધતી જતી ખાઈ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
તેમણે ઉમેર્યું કે, એક સમયે એવી આશા રાખવામાં આવતી હતી કે આર્થિક સમૃદ્ધિને કારણે સત્તાનું રાજકારણ (પાવર પોલિટિક્સ) ખતમ થઈ જશે, પરંતુ આજે સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. આજે વૈશ્વિક આર્થિક વ્યવસ્થા અને પ્રભાવને ફરીથી નક્કી કરવા માટે સત્તાના રાજકારણનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ૨૧મી સદીની શરૂઆત એવા વિશ્વાસ સાથે થઈ હતી કે વ્યાપાર, સપ્લાય ચેઈન અને ડિજિટલ કનેક્ટિવિટી દેશોને એકબીજા પર એટલા નિર્ભર બનાવશે કે સંઘર્ષની શક્યતાઓ નહિવત થઈ જશે, પરંતુ હવે આ જ સાધનો દબાણ અને વ્યુહાત્મક નિયંત્રણના હથિયાર બની રહ્યા છે.
જનરલ દ્વિવેદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, સેમિકન્ડક્ટર જેવી મહત્વની ટેકનોલોજીની મર્યાદિત ઉપલબ્ધતા હવે વ્યુહાત્મક દબાણનું માધ્યમ બની ગઈ છે. બીજી તરફ, ‘હોર્મુઝની સામુદ્રધુની’ જેવા દરિયાઈ માર્ગો વૈશ્વિક સંઘર્ષના સક્રિય કેન્દ્રો બની ગયા છે. વિશ્વનો સંરક્ષણ ખર્ચ હવે 2.7 ટ્રિલિયન ડોલરને વટાવી ગયો છે, જે સંયુક્ત રાષ્ટ્ર ના ટકાઉ વિકાસ લક્ષ્યાંકોના કુલ બજેટ કરતાં પણ વધુ છે. હવે સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ વચ્ચેની રેખા લગભગ ભૂંસાઈ ગઈ છે. આધુનિક યુદ્ધો માત્ર સરહદ પરની સેનાઓ પર જ દબાણ નથી લાવતા, પરંતુ ઔદ્યોગિક ઉત્પાદન, સંશોધન પ્રણાલી (રિસર્ચ સિસ્ટમ) અને શાસન વ્યવસ્થા પર પણ સતત અસર કરે છે.
સુરક્ષા એ વિકાસની પ્રથમ શરત
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે સુરક્ષા એ માત્ર આર્થિક સમૃદ્ધિ પરનો બોજ નથી, પરંતુ વિકાસની યાત્રા શરૂ કરવા માટેની પ્રાથમિક શરત બની ગઈ છે. ભારત માટે આનો અર્થ એ છે કે રાષ્ટ્રીય શક્તિ અને વ્યુહાત્મક સમજદારીનો ઉપયોગ કરીને દેશમાં શાંતિ સુનિશ્ચિત કરવામાં આવે, આર્થિક વિકાસને વેગ આપવામાં આવે અને વૈશ્વિક વાતાવરણને પોતાના હિતમાં ઢાળવામાં આવે. ‘સ્માર્ટ’ શબ્દને માત્ર મેનેજમેન્ટની ભાષામાં જ નહીં, પરંતુ એક એવા જીવંત માળખા તરીકે સમજવો પડશે, જેના આધારે ભારતે વિશ્વમાં પોતાની વિચારસરણી, તૈયારી અને કાર્યવાહી નક્કી કરવાની રહેશે.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ભારતે રાષ્ટ્રીય શક્તિના દરેક સાધનનો ઉપયોગ સંપૂર્ણ સચોટતા અને પરસ્પર તાલમેલ સાથે કરતા શીખવું પડશે. હવે એવી રાષ્ટ્રીય વ્યૂહરચનાની જરૂર છે, જેમાં સમગ્ર દેશની તાકાત એક સમાન રાષ્ટ્રીય ઉદ્દેશ્યની દિશામાં કામ કરે. વ્યુહાત્મક સ્વાયત્તતા (સ્ટ્રેટેજિક ઓટોનોમી)નો અર્થ અલગ-થલગ પડી જવું કે કોઈને બાકાત રાખવું એવો નથી, પરંતુ તેનો અર્થ એ છે કે તમામ દેશો સાથે સંબંધો જાળવી રાખીને પણ પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા અકબંધ રાખવી.
આજે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ઝડપથી ખોરવાઈ રહી છે અને ટેકનોલોજી સુધી પહોંચને વ્યુહાત્મક દબાણ તરીકે વાપરવામાં આવી રહી છે. આવા સમયમાં જે દેશ પોતાની જરૂરિયાતની વસ્તુઓ જાતે બનાવી શકતો નથી, તે ધીમે ધીમે એ નક્કી કરવાની ક્ષમતા પણ ગુમાવી દેશે કે તેને વાસ્તવમાં શું જોઈએ છે. સેના પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે એવો સંરક્ષણ ઔદ્યોગિક આધાર (ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ બેઝ) તૈયાર કરવો પડશે, જે માત્ર આત્મનિર્ભર જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પણ હોય. આના માધ્યમથી રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાતોને ઔદ્યોગિક ક્ષમતામાં બદલી શકાશે અને ભવિષ્યમાં તેને સંરક્ષણ નિકાસની તાકાતમાં પણ પરિવર્તિત કરી શકાશે. મજબૂત સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા આગામી સમયમાં ભારતની સુરક્ષા, આર્થિક તાકાત અને વૈશ્વિક પ્રભાવ ત્રણેય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.


