નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હી સ્થિત 18મી BRICS શિખર પરિષદ દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. મલેશિયા પીએમ મોદીના વિશેષ આમંત્રણ પર BRICSના ભાગીદાર દેશ તરીકે આ સમિટમાં ભાગ લઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે તેવા સમયે આ મુલાકાત યોજાઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મલેશિયા ભારત સરકારના ‘મેડ ઈન ઈન્ડિયા’ રક્ષણ ક્ષેત્રથી પ્રભાવિત થઈને ભારતીય શસ્ત્રો અને સંરક્ષણ સાધનો ખરીદવામાં રસ દાખવ્યો છે. બેઠક દરમિયાન વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો, જોકે મલેશિયા કયા ચોક્કસ હથિયારો ખરીદવા ઈચ્છે છે તેની વિગતો ટૂંક સમયમાં સામે આવશે.
મલેશિયાના વિદેશ મંત્રાલય અનુસાર, BRICS સમિટ ગ્લોબલ ગવર્નન્સ, આર્થિક સહયોગ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સતત વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા માટેનું એક શ્રેષ્ઠ મંચ છે. અનવર ઇબ્રાહિમ સમિટમાં ‘સર્વસમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવો’ વિષય પર પોતાનું રાષ્ટ્રીય વક્તવ્ય આપશે.
- દિલ્હી બાદ કેરળનો પ્રવાસ: વિવિધ નેતાઓ સાથે મુલાકાત
BRICS સમિટ બાદ મલેશિયાના વડાપ્રધાન કેરળની મુલાકાતે જશે. જ્યાં તેઓ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી વી.ડી. સતીશન અને ભારતના ગ્રાન્ડ મુફ્તી શેખ અબૂબકર અહમદ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન શિક્ષણ, વેપાર, ડિજિટલ ઇકોનોમી અને ધાર્મિક સદભાવના મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે.
નવી દિલ્હી પહોંચ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે અનવર ઇબ્રાહિમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન મલેશિયા અને રશિયા વચ્ચે સીધી વિમાન સેવાઓ શરૂ કરવા અને વિઝા-મુક્ત મુસાફરી પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


