1. Home
  2. ગુજરાતી
  3. RBI હવે AI દ્વારા તૈયાર કરશે સુરક્ષા કવચ, ડિજિટલ પેમેન્ટ અને બેન્કિંગ બનશે વધુ સુરક્ષિત
RBI હવે AI દ્વારા તૈયાર કરશે સુરક્ષા કવચ, ડિજિટલ પેમેન્ટ અને બેન્કિંગ બનશે વધુ સુરક્ષિત

RBI હવે AI દ્વારા તૈયાર કરશે સુરક્ષા કવચ, ડિજિટલ પેમેન્ટ અને બેન્કિંગ બનશે વધુ સુરક્ષિત

0
Social Share

નવી દિલ્હી, 3 જૂન 2026: ડિજિટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતાની સાથે છેતરપિંડીના જોખમો પણ વધ્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ભારતીય રિઝર્વ બેંક હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક મજબૂત સુરક્ષા કવચ તૈયાર કરવા જઈ રહી છે. આ નવી સિસ્ટમ થકી તમામ પ્રકારના પેમેન્ટ્સ સુરક્ષિત બનશે, ડેટા મેનેજમેન્ટની સુરક્ષા મજબૂત થશે અને બેંકોનું કામકાજ વધુ સરળ બનશે.

આ હેતુ માટે રિઝર્વ બેંક સંસ્થાકીય સ્તરનું એક ઇન્ટિગ્રેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. જેમાં મોટા અને નાના લેંગ્વેજ મોડલ્સ, સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ અને સેન્ટ્રલ બેન્કિંગ કાર્યોને અનુરૂપ એઆઈ આધારિત ઉકેલો ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, વિવિધ પોર્ટલને એક જ મંચ પર લાવવા માટે એક ‘ઇન્ટિગ્રેટેડ વર્ક પોર્ટલ’ પણ વિકસાવવામાં આવશે.

ડિજિટલ નાણાકીય સેવાઓમાં લોકોનો વિશ્વાસ અને સુરક્ષા વધારવાના હેતુથી bank.in વિશેષ ડોમેન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ સાથે બેન્કિંગ સિસ્ટમ માટે સુરક્ષિત ડોમેન ફરજિયાત બનાવનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. વધુમાં, એક સંપૂર્ણ સ્વદેશી પેમેન્ટ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી રહી છે, જેમાં વર્તમાન સેન્ટ્રલાઈઝ્ડ પ્રણાલીઓની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આરબીઆઈના તાજેતરના રિપોર્ટ મુજબ, શંકાસ્પદ વ્યવહારોની સમયસર ઓળખ કરવા માટે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ તૈયાર કરવામાં આવ્યું છે. ‘પેમેન્ટ વિઝન 2028’ હેઠળ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને નવી ગતિ મળશે. આગામી સમયમાં ગ્રાહકોને વિવિધ ડિજિટલ પેમેન્ટ માધ્યમોમાં ટ્રાન્ઝેક્શનને પોતાની જાતે ‘એનેબલ’ અથવા ‘ડિસેબલ’ કરવાની સુવિધા પણ મળશે. જોખમનો સામનો કરવા માટે શેર્ડ રિસ્પોન્સિબિલિટી ફ્રેમવર્ક વિકસાવવામાં આવશે, જેમાં ગ્રાહક અને લાભાર્થી બેંક બંનેની જવાબદારી રહેશે.

  • ઇનોવેશનને મળશે પ્રોત્સાહન

કાર્ડ પેમેન્ટ્સમાં નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવશે અને આગામી સમયમાં ઇલેક્ટ્રોનિક ચેક શરૂ કરવાના સઘન પ્રયાસો કરવામાં આવશે. ડિજિટલ પેમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવતી નોન-બેન્કિંગ સંસ્થાઓને પણ નિયમનકારી (રેગ્યુલેટરી) દાયરામાં લાવવા પર વિચારણા ચાલી રહી છે.

નવી વ્યવસ્થા અનુસાર, બજારમાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રોનિક ચેક સિસ્ટમ શરૂ કરવાના પ્રયાસો થશે. નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ માટે સાયબર રિસ્ક ઇન્ડિકેટર્સ ફ્રેમવર્ક લાગુ કરવામાં આવશે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સંશોધન અને તાલીમ ક્ષમતા વિકસાવવામાં આવશે. ડિજિટલ પેમેન્ટમાં ભૂમિકા ભજવતી અન્ય સંસ્થાઓને RBI ના નિયમનકારી દાયરામાં લાવવામાં આવશે. સાયબર સુરક્ષા ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે અદ્યતન ‘થ્રેટ હન્ટિંગ પ્લેટફોર્મ્સ’ સ્થાપિત કરવામાં આવશે.

  • વિદેશોમાં પણ કરાશે UPI નો વિસ્તાર

ભારતની યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ સિસ્ટમ હવે વૈશ્વિક બની રહી છે. UPI આધારિત QR કોડ પેમેન્ટ સુવિધા હાલમાં ભૂતાન, ફ્રાન્સ, મોરેશિયસ, નેપાળ, કતાર, સિંગાપોર, શ્રીલંકા અને UAE સહિતના દેશોમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત નામીબિયા અને પેરુમાં પણ UPI આધારિત સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. મોરેશિયસ અને UAE માં RuPay કાર્ડ સિસ્ટમનું અમલીકરણ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code