1. Home
  2. ગુજરાતી
  3. હવે ગીરના સિંહોએ શિકાર માટે જંગલની બહાર નહીં ભટકવું પડે, આવી રહ્યો છે આ પ્રોજેક્ટ

હવે ગીરના સિંહોએ શિકાર માટે જંગલની બહાર નહીં ભટકવું પડે, આવી રહ્યો છે આ પ્રોજેક્ટ

0
  • રાજ્ય સરકારના વર્ષ 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઇ છે
  • હવે સિંહોએ શિકાર કરવા માટે જંગલની બહાર જવાની આવશ્યકતા નહીં રહે
  • સાબર બ્રિડીંગ સેન્ટર બનાવીને તેને જંગલમાં છોડવાની યોજના

ગાંધીનગર: રાજ્ય સરકારના વર્ષ 2021ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સિંહો ભૂખ્યા ના રહે અને તેમને જંગલમાં યોગ્ય રીતે જ શિકાર મળી રહે તેવું આયોજન થવા જઇ રહ્યું છે. તે ઉપરાંત સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવી તેને જંગલમાં છોડવાની પણ યોજના છે. જૂનાગઢના વનપ્રેમીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી શિકારની શોધમાં સિંહો જંગલની બહાર નીકળી આવે છે.

રાજ્ય સરકારના આગામી નાણાંકીય વર્ષ 2021-22 ના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એશિયાટીક સિંહોના નિવાસ સ્થાન ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા બૃહદ ગીરમાં ગણાતા જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરના મહેસુલી અને વીડી વિસ્તારમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારના લાયન પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ વિશે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને વાઈલ્ડ લાઈફ રીસર્ચરના લાઈફ મેમ્બર ડો.જલ્પન રૂપાપરાએ જણાવ્યું કે, ગીરના જંગલ, અભયારણ્યમાં અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહનો ખોરાક ગણાતા સાંબરની સંખ્યા વધે તે માટે સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવવા માટે પણ બજેટમાં જોગવાઈ કરવામા આવી છે. રાજ્ય સરકારની સિંહોના સંરક્ષણને લઈને બજેટમાં થયેલી જોગવાઈને વન્યજીવ પ્રેમીઓએ આવકારી છે અને આગામી સમયમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને લઈને આશાવાદ વ્યક્ત કર્યો છે. સાથે જ અભયારણ્ય વિકસાવવા અને માલધારીઓ માટે સહાય યોજના માટે સૂચનો પણ કર્યા.

ગીરના જંગલોમાં વધતી જતી સિંહોની સંખ્યાને લઈને હવે જંગલ ટૂંકું પડી રહ્યું હોય તેવી સ્થિતિ છે. જેને લઈને ઈનફાઈટ વધવા અને મારણ શોધવા સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે અને માલઢોર તેના શિકાર બને છે. આથી સિંહોને જંગલમાં જ સાંબર જેવા તૃણભક્ષી પ્રાણીઓ ખોરાક રૂપે મળી રહે તો સિંહો પણ સુરક્ષિત થઈ શકે તે જરૂરી છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code