પટના કોચિંગ ફાયરિંગ કેસમાં ખાન સરને રાહત, કોર્ટે ધરપકડ પર ફરમાવ્યો મનાઈ હુકમ
પટના, 20 જૂન 2026: બિહારની રાજધાની પટનાની એક કોર્ટે શનિવારે દેશના જાણીતા ટ્યુટર અને યુટ્યુબર ફૈઝલ ખાન ઉર્ફે ‘ખાન સર’ (Khan Sir) ને મોટી રાહત આપી છે. શહેરમાં ચર્ચાસ્પદ બનેલા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ફાયરિંગ કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો છે કે આગામી આદેશ સુધી ખાન સર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કડક પગલાં (ધરપકડ) લેવામાં ન આવે. અદાલતના આ નિર્દેશથી હાલ પૂરતી ખાન સરની ધરપકડ પર સ્ટે આવી ગયો છે. કોર્ટે માત્ર ખાન સરને જ નહીં, પરંતુ તેમના કોચિંગ સેન્ટરના અન્ય ત્રણ સ્ટાફ મેમ્બર્સને પણ વચગાળાની રાહત આપી છે. આગામી સુનાવણી સુધી તેમની સામે પણ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવા પોલીસને આદેશ અપાયો છે.
શનિવારે સુનાવણી દરમિયાન પટના પોલીસે કોર્ટ સમક્ષ આ કેસની ‘કેસ ડાયરી’ રજૂ કરી હતી. દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી 25 જૂનના રોજ નક્કી કરી છે. જો કે, આ ફાયરિંગ કેસમાં ખાન સરના બે સિક્યોરિટી ગાર્ડ્સને કોઈ રાહત મળી નથી અને તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં (જેલમાં) જ રહેશે. ગાર્ડ્સ તરફથી જામીન માટેની અરજી અલગથી દાખલ કરાઈ છે.
ખાન સરે ધરપકડથી બચવા માટે પટના સિવિલ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પોતાની અરજીમાં તેમણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફાયરિંગની ઘટનામાં પોતાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આ સમગ્ર વિવાદ ખાન સર અને રોશન આનંદ વચ્ચે ચાલી રહેલી તકરાર બાદ વકર્યો છે. જેલમાંથી બહાર આવ્યા પછી રોશન આનંદે આરોપ લગાવ્યો હતો કે તેને જાનથી મારી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે અને તેની પાછળ ખાન સરનું કાવતરું છે. આ સિવાય પ્રિન્સ યાદવની હત્યામાં પણ ખાન સરનો હાથ હોવાનો ગંભીર આરોપ તેણે લગાવ્યો હતો. રોશન આનંદે આ મામલે કદમકુઆં પોલીસ સ્ટેશન બહાર ધરણા પણ કર્યા હતા. હાલ પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી રહી છે.
(PHOTO-FILE)


