રેસીપી, 20 મે 2026: લીંબુની ચટણી (Lemon chutney) એ વિટામિન C થી ભરપૂર અને પાચન માટે ઉત્તમ એવી વાનગી છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અથવા ભોજનમાં કંઈક ચટાકેદાર જોઈતું હોય, ત્યારે આ ચટણી બેસ્ટ ઓપ્શન છે. ખાંડની મીઠાશ અને કાશ્મીરી લાલ મરચાનો કલર આ ચટણીને આકર્ષક બનાવે છે, જ્યારે વરિયાળી અને ચાટ મસાલો તેને એક અનોખો સ્વાદ આપે છે.
લીંબુની ચટણી (Lemon Chutney) એ ભારતીય થાળીનો સ્વાદ વધારવા માટે એક બેસ્ટ છે. ખાટી મીઠી અને મસાલેદાર ચટણી ઓછા સમયમાં અદભુત બને છે, જો ગરમીમાં શાક બનાવવાની ઈચ્છા ન થાય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો.
લીંબુની ચટણી રેસીપી
સામગ્રી
150 ગ્રામ લીંબુ
450 ગ્રામ ખાંડ
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી વરિયાળી પાવડર
2 ચમચી ચાટ મસાલો
1 ચમચી કાળું મીઠું
1 ચમચી કાશ્મીરી મરચું
250 મિલી ગરમ પાણી
લીંબુની ચટણી બનાવાની રીત
સૌથી પહેલા લીંબુને બરાબર ધોઈને કોરા કરી લો. તેના નાના ટુકડા કરી તેમાંથી બીજ કાઢી નાખો.
લીંબુના ટુકડાને મિક્સરમાં અધકચરા પીસી લો અથવા ઝીણા સમારી લો. હવે એક પેનમાં થોડું ગરમ પાણી લો અને તેમાં લીંબુના ટુકડા ઉમેરી તેને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો.
લીંબુ નરમ થઈ જાય એટલે તેમાં 450 ગ્રામ ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે અને મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો.
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી સંચળ (Black salt), અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરો. કાશ્મીરી મરચાથી ચટણીનો રંગ ખૂબ સરસ આવશે.
અંતમાં 1 ચમચી વરિયાળી પાવડર અને 2 ચમચી ચાટ મસાલો ઉમેરો. આ મસાલા ચટણીને બજાર જેવો ચટાકેદાર ટેસ્ટ આપશે.
ચટણી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ઠંડી થયા પછી તેને કાચની બરણીમાં ભરી લો. આ ચટણી લાંબા સમય સુધી સારી રહે છે.


