નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળ યૌન શોષણ અને દુર્વ્યવહારને લગતી સામગ્રીના પ્રસારને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સંતોષકારક જવાબ ન અપાતા સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે આ ગંભીર મામલે સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કરવા માટે અંતિમ તક આપી છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તેમજ કાયદા અને ન્યાય મંત્રાલયને પોતપોતાના રિપોર્ટ દાખલ કરવાનો કડક નિર્દેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે બંને મંત્રાલયોએ એ જણાવવું પડશે કે સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર 2024ના ચુકાદાને લાગુ કરવા અને ઓનલાઈન વાંધાજનક સામગ્રીના પ્રસારને ડામવા માટે અત્યાર સુધીમાં ગ્રાઉન્ડ લેવલ પર શું પગલાં લેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટની પીઠ ‘જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આવી કોઈપણ વાંધાજનક સામગ્રીની જાણકારી કાયદા અમલીકરણ એજન્સીઓને આપવી ફરજિયાત બનાવતા નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવે.
આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે ખંડપીઠને ખાતરી આપતા જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દાને સંપૂર્ણ ગંભીરતાથી લઈ રહી છે. તેમણે માહિતી આપી હતી કે આ મામલે એક કંપની વિરુદ્ધ નોટિસ જારી કરીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈન્સ્ટાગ્રામ પર એવી જાહેરાતો ચલાવવામાં આવી રહી છે જે આ પ્રકારની વાંધાજનક અને ગેરકાયદેસર સામગ્રીને પ્રોત્સાહન આપે છે.


