તમામ હાઈકોર્ટને 3 મહિનાની અંદર પેન્ડિંગ ચુકાદા સંભળાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, 29 મે 2026: દેશની તમામ હાઈકોર્ટ દ્વારા ચુકાદાઓ સંભળાવવામાં થઈ રહેલા લાંબા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ પોતાની વિશેષાધિકાર શક્તિઓનો ઉપયોગ કરતા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તમામ મામલાઓનો નિકાલ વહેલામાં વહેલી તકે થવો જોઈએ. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે તમામ હાઈકોર્ટને અનામત રાખેલા કે પેન્ડિંગ ચુકાદાઓ ત્રણ મહિનાની અંદર સંભળાવી દેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે, કોઈપણ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ, તેનો ચુકાદો મહત્તમ ત્રણ મહિનાની અંદર સંભળાવી દેવો. જો કોઈ કારણસર આમ ન થાય, તો પક્ષકાર પાસે અરજી કરવાનો વિકલ્પ રહેશે. જામીન સંબંધિત આદેશો તે જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે સંભળાવવામાં આવે. તેમજ તમામ ચુકાદાઓ સંભળાવ્યાના 24 કલાકની અંદર હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર ફરજિયાતપણે અપલોડ થવા જોઈએ. આ ઉપરાંત જે વિચારાધીન કેદીઓને જામીન મળી ગયા છે, તેમને ઔપચારિકતાઓ પૂર્ણ કરીને તે જ દિવસે મુક્ત કરવામાં આવે.
-
નીચલી અદાલતોને પણ અપાઈ સૂચના
દેશની સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતોને પણ નિયમિત જામીન આદેશોની તાત્કાલિક જાણ સંબંધિત સત્તાવાળાઓને કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ચુકાદાનો મુખ્ય ભાગ જે તારીખે સંભળાવવામાં આવશે, તે જ તારીખને ‘ચુકાદો સંભળાવ્યાની તારીખ’ ગણવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે, હાઈકોર્ટ એ આપણી ન્યાય પ્રણાલીની પ્રાથમિક અને મહત્વપૂર્ણ સંસ્થાઓ છે, જ્યાં દરરોજ હજારો લોકો ન્યાયની આશાએ આવે છે, આથી સમયસર નિર્ણય આપવો અત્યંત આવશ્યક છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગદર્શિકા કે નિર્દેશો કોઈપણ ન્યાયાધીશ કે સંસ્થા પર લાંછન લગાવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ હાઈકોર્ટના ચુકાદાઓમાં થઈ રહેલા વિલંબ અંગે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનયી છે કે, ભારતીય બંધારણનો અનુચ્છેદ 142(1) સુપ્રીમ કોર્ટને એવો વિશેષાધિકાર આપે છે કે તે પોતાની સમક્ષ પેન્ડિંગ કોઈપણ કેસ કે વિષયમાં ‘સંપૂર્ણ ન્યાય’ કરવા માટે કોઈપણ જરૂરી આદેશ કે નિર્દેશ જારી કરી શકે છે. ભલે વર્તમાન કાયદા કે પ્રક્રિયા સંબંધિત નિયમોમાં તે અંગે કોઈ વિશેષ જોગવાઈ ન હોય, તો પણ સુપ્રીમ કોર્ટ ન્યાયના હિતમાં આ શક્તિનો ઉપયોગ કરી શકે છે.


