આજના આધુનિક સમયમાં બાળકો કલાકો સુધી મોબાઈલ ફોનમાં મશગૂલ રહે છે. તેનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે વાલીઓ, દાદા-દાદી કે નાના-નાની પ્રેમ વ્યક્ત કરવા કે બાળકને શાંત રાખવા માટે તેમના હાથમાં પેકેટ વાળા પ્રોસેસ્ડ ફૂડ, ચિપ્સ અને ચોકલેટ્સ પકડાવી દે છે. વાલીઓને આ સ્નેહ દર્શાવવાની રીત લાગે છે, પરંતુ આ બેવડી આદત બાળકના શરીર અને મગજને કેટલું મોટું નુકસાન પહોંચાડી રહી છે તે બહુ ઓછા લોકો સમજી શકે છે. પીડિયાટ્રિક્સ એન્ડ નિયોનેટોલોજીના સિનિયર કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, મોબાઈલની સાથે જંક ફૂડનું આ કોમ્બિનેશન બાળકો માટે અત્યંત ખતરનાક સાબિત થઈ રહ્યું છે.
અનેક સંશોધનોમાં સામે આવ્યું છે કે મોબાઈલ ફોનમાંથી નીકળતો બ્લૂ લાઈટ બાળકોની આંખો અને મગજ બંનેને નબળા પાડે છે. આ ઉપરાંત, જ્યારે બાળક સ્ક્રીન જોતાં જોતાં ખાવાનું ખાય છે, ત્યારે તેના મગજને એ સંકેત જ મળતો નથી કે તેનું પેટ ભરાઈ ગયું છે કે કેમ. આ સ્થિતિને ‘માઈન્ડલેસ ઈટિંગ’ કહેવાય છે, જેમાં બાળક જરૂરિયાત કરતાં ઘણું વધારે ખાઈ લે છે.
-
જંક ફૂડથી થતા ગંભીર સ્વાસ્થ્ય નુકસાન
ડોક્ટરના જણાવ્યા અનુસાર, પેકેજ્ડ અને જંક ફૂડમાં અતિશય મીઠું, ખાંડ અને અનહેલ્ધી ફેટ હોય છે. મોબાઈલ જોતી વખતે સતત આવું ખાવાથી બાળકોમાં વજન વધવું (ઓબેસિટી), પાચનશક્તિ નબળી પડવી, ભવિષ્યમાં ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ વધી જવું અને શારીરિક પ્રવૃત્તિ ઘટવાથી ફિટનેસ બગડવી સહિતની સમસ્યાઓ ઉભી થાય છે. આ ઉપરાંત, મોડે સુધી મોબાઈલ જોવાથી બાળકોની ઊંઘની ગુણવત્તા અને ઊંઘવાના સમય પર પણ વિપરીત અસર પડે છે.
-
વાલીઓએ શું કરવું જોઈએ?
બાળકોને આ ખતરનાક કોમ્બોથી બચાવવા માટે નિષ્ણાતોએ વાલીઓને નીચે મુજબની સલાહ આપી છે:
નો સ્ક્રીન વિથ મીલ્સ: જમતી વખતે કે નાસ્તો કરતી વખતે બાળકને મોબાઈલ, ટીવી કે ટેબલેટથી સંપૂર્ણપણે દૂર રાખો.
પૌષ્ટિક આહાર: બાળકની ડાયેટમાં પેકેજ્ડ ફૂડના બદલે ઘરે બનાવેલો પૌષ્ટિક ખોરાક, તાજા ફળો અને શાકભાજી સામેલ કરો.
શારીરિક પ્રવૃત્તિ: બાળકો દરરોજ થોડો સમય આઉટડોર રમતો અથવા શારીરિક રમતોમાં વિતાવે તે સુનિશ્ચિત કરો.


