1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ
આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

0
Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ સાથે કોઈ લગાવ નથી, ગરીબીનો કોઈ સંબંધ નથી પણ આ સંપૂર્ણ ખોટું છે. આતંકવાદનું મૂળ વિશ્વાસ, વિચારધારા અને પ્રેરણામાં છે.” તેમણે આગળ કહ્યું કે આતંકવાદીઓને ઓળખવાની કસોટી તેમની શિક્ષા, સામાજિક સ્થિતિ કે આર્થિક પૃષ્ઠભૂમિ નથી, પરંતુ તેની ધાર્મિક અથવા વિચારધારાત્મક પ્રેરણા છે, જે તેમને હિંસાના માર્ગે દોરી જાય છે.

રામ માધવે દાવો કર્યો કે આ કેસના મુખ્ય આરોપીએ પોતાના કૃત્યોને યોગ્ય સાબિત કરવા માટે કુરાનની આયતોનો હવાલો આપ્યો હતો, જેને અવગણવામાં ન આવે. તેમણે ભારતીય ઉદારવાદી અને મુસ્લિમ બુદ્ધિજીવીઓને અપીલ કરી કે આવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરે.

અમેરિકા સાથે જોડાયેલા લોબિંગના આરોપો અંગે રામ માધવે સ્પષ્ટ કર્યું કે, “આરએસએસે ક્યારેય કોઈ લોબિંગ એજન્સી રાખી નથી. અમે ભારત બહાર કામ કરતા જ નથી. આરએસએસનું આખું સ્ટ્રકચર ગુરુદક્ષિણાથી ચાલી રહ્યું છે.” તેમણે જણાવ્યું કે આરએસએસ સાથે જોડાયેલા તમામ ભવનો પંજીકૃત ટ્રસ્ટો દ્વારા સંચાલિત છે અને દરેક રૂપિયાનું ઓડિટ થાય છે.

રામ માધવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, “તેમના મતચોરીના નેરેટિવ પર કોઈએ વિશ્વાસ મુક્યો નથી. બિહારનું વધેલું મતદાન તેનો પૂરાવો છે. તેઓ હવે એક ગેરજવાબદાર અને ગેરગંભીર નેતા બની ચૂક્યા છે.”

રામ માધવે જણાવ્યું કે ચૂંટણી આયોગની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રોટોકોલ મુજબ થાય છે, અને તેનો હેતુ ફક્ત ફેક અથવા ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવો છે. તેમના જણાવ્યા મુજબ, બિહાર મતદાર યાદીમાં 65 લાખ ડુપ્લિકેટ અથવા ખોટી એન્ટ્રીઓ મળી છે, જે પોતે જ એક મોટો આંક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “કોઈ મતદાતાની રાજકીય પસંદગી જાણી તેને યાદીમાંથી કાઢી નાખવું માનવિય રીતે શક્ય જ નથી.”

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code